કપડવંજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન

- પાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ
- 11 લાખની મનોરંજન કરની ગ્રાન્ટમાંથી બનેલા સ્તંભના તાર તૂટીને પાયા પાસે વેરવિખેર પડયા
કપડવંજ : કપડવંજ પાલિકાના ટાઉન હોલ ખાતે રૂા. ૧૧ લાખના ખર્ચે ઉભો કરાયેલો રાષ્ટ્રધ્વજ સ્તંભ તંત્રની બેદરકારીના કારણે હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે.
કપડવંજમાં રાષ્ટ્રીયતાની ભાવનાને જીવંત રાખવાના હેતુથી ટાઉન હોલ આગળ રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઊંચો સ્તંભ પાલિકા દ્વારા આશરે રૂા. ૧૧ લાખની મનોરંજન કરની ગ્રાન્ટમાંથી તૈયાર કરાયો હતો. ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનો મુખ્ય તાર તૂટી જવાથી છેલ્લા ઘણા સમયથી ધ્વજ ઉતારી લેવાયો છે. સ્તંભના પાયા પાસે તૂટેલા તાર વેર વિખેર પડયા છે. રાષ્ટ્રીય તહેવારો નજીક હોવાથી રાષ્ટ્રધ્વજનું મહત્વ વધી જાય છે. ત્યારે પાલિકાની કામગીરી સામે લોકોમાં આક્રોશ સાથે સવાલો ઉઠી રહ્યા છે.
પાલિકાના સત્તાધીશો દ્વારા રાષ્ટ્રીય સ્મારકની જાળવણી અને સમારકામ માટે ત્વરિત પગલાં લેવાય તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

