Gujarat

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવાયા

By GS TEAM
6 Jan 20262 mins read
સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવાયા

અમદાવાદ,સોમવાર,5 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતામાં સ્ટેન્ડિંગ કમિટી કે મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી વગર અલગ અલગ પ્રકારના ટેન્ડર તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરાઈ હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરાયેલા અંદાજે ૪૦૦ કરોડના ટેન્ડર અટવાઈ પડયા છે.મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી કરતા વધુ ખર્ચ કરાયો હોવાથી મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે.આ સાથે જ તેમણે આ અંગે તપાસ કમિટીની રચના કરવા સુચના આપી છે.કમિટી તમામ ટેન્ડર અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે તપાસ કરી રીપોર્ટ તૈયાર કરી કમિશનરને આપશે.જે પછી એજન્સીઓ સહિતના અન્યોને પેમેન્ટ કરવુ કે કેમ તે અંગે ચોકકસ નિર્ણય કરાશે.

બગીચા ખાતાનો વિવાદ મિશન ફોર મિલીયનથી શરુ થયો છે. શહેરના વિવિધ વોર્ડ ઉપરાંત કોર્પોરેશન અને ખાનગી માલિકીના પ્લોટમાં  ૪૦ લાખ રોપાં-વૃક્ષ વાવવાના હતા.બગીચા ખાતા અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ ૪૦ લાખનુ લક્ષ્યાંક સિધ્ધ થયુ હોવાના વધામણાં પણ લઈ લીધા હતા. આ દરમિયાન જયારે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ખર્ચ મંજૂર કરવા ફાઈલ મુકાઈ એ સમયે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો  કે, રુપિયા ૬૯ કરોડનો ખર્ચ રુપિયા ૧૩૫ કરોડ સુધી પહોંચી ગયો હતો.જે જોઈ કમિશનર પોતે ચોંકી ગયા હતા અને ફાઈલને હજુ સુધી મંજૂરી અપાઈ નથી.જે પછી ૨૧ લાખ રોપાં-વૃક્ષોના  ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે રુપિયા ૩૦ કરોડનુ અલગથી ટેન્ડર કરાયુ હતુ.જે ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરાવ્યુ હતુ.વિવાદ આટલેથી નહીં અટકતા બગીચા ખાતા તરફથી રુપિયા ૨૩૫.૭૦ કરોડનુ ટ્રેકટર-ટ્રોલી અને લેબર સપ્લાય માટેનુ ટેન્ડર કરાયુ હતુ.જેની સામે કોન્ટ્રાકટરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ કરતા બંને ટેન્ડરની ફાઈલ કમિશનરે બગીચા ખાતામા પરત કરી હતી.કોર્પોરેશનના બગીચા ખાતામા મંજૂરી વગર કન્સલ્ટન્ટની નિમણૂંક થઈ જાય છતાં સત્તાધીશોને જાણ પણ થઈ શકતી નથી.

એમ- પેનલ આકસ્મિક કામ માટે હોય છે

કોર્પોરેશનના રોડ,બ્રિજ સહિતના અન્ય કામ માટે એમ- પેનલ કરાતી હોય છે. પરંતુ આ એમ-પેનલ એ આકસ્મિક કામો તાકીદે થઈ શકે એ માટે નકકી કરાતી હોય છે.જેમ કે કોઈ રોડ ઉપર વિશાળ ભુવો પડયો હોય તો તેનુ સમારકામ કરવા કે કોઈ બ્રિજ ઉપર સ્પાન કે નટ-બોલ્ટના તાત્કાલિક સમારકામ જેવી કામગીરી માટે. ટ્રેકટર,ટ્રોલી અને લેબર સપ્લાય એ બગીચા ખાતાની ફિકસ કામગીરી છે.છતાં ૨૩૫ કરોડનુ ટેન્ડર એમ- પેનલથી આપવા પ્રયાસ કરાયો હતો.

કોના-કોના પેમેન્ટ અટવાયા?

- ૨૧ લાખના બદલે ૨૯ લાખ રોપાં કે વૃક્ષ વાવનાર એજન્સીઓના પેમેન્ટ મંજૂરીના અભાવે અટવાયા છે.જેમને પેમેન્ટ મળે એ માટે બગીચા ખાતાના અધિકારીઓ  કમિશનર ઉપર દબાણ કરી રહયા છે.

-સ્ટેન્ડિંગ કમિટી કે મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી વગર કોની સુચનાથી બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક કરાઈ.આ કનસ્લ્ટન્ટ દ્વારા અત્યાર સુધીમાં મિશન ફોર મિલીયનથી લઈ ત્રણ ટેન્ડર કરાયા છે.કન્સલ્ટન્ટને કનસ્લ્ટન્સી ફી કોના પગારમાંથી ચૂકવાશે.