મોતના 15 દિવસમાં જ 26 વર્ષીય યુવાનનું શરીર હાડપિંજર બની ગયું
- છાપરાભાઠા મેરવાડની પાછળ નદીના પાળા પરથી છુટાછવાયા હાડકા મળ્યા, હાથના પંજા-પાંસળીનો અમુક ભાગ નહોતોઃ DNA સેમ્પલ લેવાયા
સુરત, તા.28 ઓગસ્ટ 2019, બુધવાર
છાપરાભાઠાના
મેરવાડ પાછળ તાપી નદીના પાળા પરથી હાડપિંજર મળી આવ્યું હતું. છુટાછવાયેલા હાડકા એકત્ર
કરી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે ડીએનએે ટેસ્ટ માટે સેમ્પલો પણ લેવામાં આવ્યા છે.
અમરોલી-છાપરાભાઠા
રોડ સ્થિત મેરવાડની પાછળ તાપી નદીના પાળા પર હાડપિંજર હોવાનું જાણવા મળતા અમરોલી
પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે હાથ ધરેલી તપાસમાં માનવ
શરીરના હાડકા છુટાછવાયેલા હતા તે એકત્ર કર્યા હતા અને તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ
માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જો કે પોલીસને ઘટના સ્થળ પરથી હાથના
પંજા અને પાંસળીના ભાગના હાડકા મળ્યા ન્હોતા. પોલીસે હાલમાં અજાણી વ્યકિતના
અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતક વ્યકિતના
હાડકાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત તેની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં મૃતક અંદાજે ૨૫ વર્ષીય યુવાન અને પંદરેક દિવસ અગાઉ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે કયા કારણોસર મોત થયું તે અંગેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થશે. બીજી તરફ પોલીસને આશંકા છે કે ગત દિવસોમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીમાં કોઇ વ્યકિત તણાઇ જતા ડુબી જવાથી મોત થયું હોવાની શક્યતા છે. જેથી પોલીસે સ્થાનિક વિસ્તાર ઉપરાંત જિલ્લા પોલીસને પણ આ અંગે વાકેફ કરી તપાસ હાથ ધરી છે.