ગણેશોત્સવના આરંભની સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે ૪૯ ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર

અમદાવાદ,બુધવાર,27
ઓગસ્ટ,2025
બુધવારથી ગણેશોત્સવના આરંભની સાથે અમદાવાદના વિવિધ ૪૦
સ્થળોએ ૪૯ ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરાયા છે. ગણેશ મૂર્તિ વિસર્જન માટે
બનાવાયેલા દરેક કુંડ અને પંડાલની કોર્પોરેશન દ્વારા બે વખત સફાઈ કરાશે. કયા કુંડ
કે પંડાલમાં કઈ સાઈઝની કેટલી મૂર્તિ વિસર્જન માટે આવી તેની પણ રજિસ્ટરમાં નોંધ
કરાશે. મૂર્તિઓના વિસર્જનના કારણે કુંડની
આસપાસ જનરેટ થતા કચરાને અલગ અલગ એકઠો કરવા પુરતા પ્રમાણમાં સ્ટીકર
લગાવેલા ડસ્ટબીન અને બેરલ મુકાશે.ફાયર વિભાગ તરફથી પાંચ ટીમ અલગ અલગ કુંડ-પંડાલ
ખાતે ફરજ બજાવશે.
ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી શહેરના અલગ અલગ
વિસ્તારમાં શ્રીજીના ભકતો દ્વારા શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી તેનુ
ભકિતભાવપૂર્વક વિસર્જન કરવામાં આવે છે.ભાવિકો એક દિવસ, ત્રણ દિવસ,પાંચ દિવસથી લઈ
દસ દિવસ સુધી પણ ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજન અર્ચન કર્યા પછી
વિસર્જન કરતા હોય છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪૦
સ્થળોએ ૪૯ જેટલા ગણેશ મૂર્તિ વિસર્જન માટેના કુંડ તૈયાર કરવામાં આવ્યા
છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,એક કુંડ પાછળ અંદાજે રુપિયા ૧૫ લાખનો ખર્ચ કરાયો છે.કોર્પોરેશન
દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્ટિફિશ્યલ કુંડમાં ભરવામાં આવનારપાણી જમીન સાથે સીધા
સંપર્કમાં ના આવે તે માટે સારી કવોલીટીનું પ્લાસ્ટિક લાઈનર લેયર બિછાવવામાં આવ્યુ
છે.આ ઉપરાંત દરેક કુંડની આસપાસ નાગરિકોની સુરક્ષા માટે પુરતા પ્રમાણમાં બેરીકેડીંગ
કરવામાં આવ્યુ છે.કુંડ અને પંડાલમાં રોજ બે વખત સફાઈ કરવામાં આવશે.પંડાલ,મંડપ ખાતે ઝીરો
વેસ્ટ ઈવેન્ટનું આયોજન કરાશે.પૂજા સ્થળે મૂર્તિને ચઢાવવામાં આવતા ફુલ,નાળિયેર વગેરેનો
યોગ્ય રીતે નિકાલ કરાશે.સાબરમતી નદીમાં પરવાનગી વગર મોટી મૂર્તિનું વિસર્જન કરી
શકાશે નહીં.ચીફ ફાયર ઓફિસરે કહયુ,
ફાયર વિભાગ તરફથી હાલમાં બોટ સહિત રેસ્કયૂ સાધનો સાથે પાંચ ટીમ ફરજ ઉપર
મુકાશે.આશ્રમ રોડ ઉપર વલ્લભસદન સહીતના અન્ય સ્થળે ફાયર ફાઈટર સહીતના વાહન સાથે જરુર જણાશે તો વધુ ટીમને પણ
ફરજ ઉપર મુકવામાં આવશે.મોટી મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા ક્રેઈનની
વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ઝોન મુજબ ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ
ઝોન કુંડ
પશ્ચિમ ૧૩
મધ્ય ૦૭
ઉ.પ. ૦૫
ઉત્તર ૦૫
દ.પ. ૦૪
દક્ષિણ ૦૪
પૂર્વ ૦૨








