Gujarat

ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગપુલ સાથે ગોતા વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મીની સ્પોટર્સ કોમ્પલેકસ બનાવામા આવશે

By GS TEAM
17 Jun 20252 mins read
ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગપુલ સાથે  ગોતા વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે  મીની સ્પોટર્સ કોમ્પલેકસ બનાવામા આવશે

  અમદાવાદ,સોમવાર,16 જુન,2025

અમદાવાદના ગોતા વોર્ડમાં ૧૫૮૨૪ ચોરસમીટર જગ્યામાં રુપિયા ૩૦.૫૦ કરોડના ખર્ચથી મીની સ્પોટર્સ કોમ્પલેકસ બનાવવામાં આવશે. ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગપુલ સાથે ટેનિસ,બાસ્કેટ બોલ ઉપરાંત કબડી કોર્ટ તથા આઉટડોર જીમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. બે વર્ષમાં કામગીરી પુરી કરાશે.

ગોતા વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૩૨ના ફાયનલ પ્લોટ નંબર-૧૬૨ના પાર્ટ પ્લોટમાં મીની સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા કોન્ટ્રાકટર શ્રીજી કૃપા પ્રોજેકટ લિમિટેડના ટેન્ડરને મંજુરી અપાઈ છે.સ્પોર્ટસ કોમ્પલેકસના ઈન્ડોર બિલ્ડિંગમાં ૧૨૫૦ ચોરસમીટર જગ્યામાં ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગપુલ ઉપરાંત ૮૧૧ ચોરસ મીટર જગ્યામાં મલ્ટિ પર્પઝ કોર્ટ હોલ તૈયાર કરાવાશે.૧૯૦ ચોરસમીટર જગ્યામાં ફુડ કોર્ટ તેમજ જયુસ બાર, મેડીકલ રુમ, શાવર ચેઈન્જિંગ રુમ વગેરેની સગવડ હશે.૬૩૦ ચોરસમીટર જગ્યામાં બે ટેનિસ કોર્ટ, ૧૩૦ ચોરસમીટર જગ્યામાં એક કબડી કોર્ટ,૩૭૨ ચોરસમીટર જગ્યામાં આઉટડોર જીમ પણ તૈયાર કરાશે.આ ઉપરાંત ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ પણ હશે.

રાણીપમાં બે કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ સ્પોર્ટસ સંકુલ ડેવલપ કરાશે

નવા વાડજ વોર્ડમાં આવેલા રાણીપ વિસ્તારમાં રોનક સોસાયટી પાસે ટી.પી.સ્કીમ નંબર-૧ના ફાયનલ પ્લોટ નંબર-૯માં આવેલા ખુલ્લા પ્લોટને રુપિયા ૨.૭૮ કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ સ્પોટર્સ સંકુલ તરીકે ડેવલપ કરવા કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશનને કામગીરી અપાઈ છે.

પાલડીમાં રુપિયા ૩૯ લાખના ખર્ચે પ્લે ગ્રાઉન્ડ બનાવાશે

પાલડી વિસ્તારમાં ટેનીસ કોર્ટ વાળા પ્લોટનો કુલ એરીયા ૩૮૮૫ ચોરસ મીટર છે. આ પૈકી ૧૩૬૯ ચોરસ મીટર જગ્યામાં ટેનીસ કોર્ટ આવેલી છે.આ સિવાયની જગ્યામાં રુપિયા ૩૯.૭૨ લાખના ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવવા કોન્ટ્રાકટર દ્વારકેશ કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.