Gujarat

મધરાતે પ્રચંડ વીજ કડાકા અને ગાજવીજ સાથે ત્રણ ઈંચ વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

By GS TEAM
20 Jun 20252 mins read
મધરાતે પ્રચંડ વીજ કડાકા અને ગાજવીજ સાથે ત્રણ ઈંચ વરસાદમાં  સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અમદાવાદ,ગુરુવાર,19 જુન,2025

અમદાવાદમાં ગુરુવારે મધરાતે બે કલાકના સુમારે સમગ્ર શહેરમાં પ્રચંડ વીજ કડાકા અને ગાજવીજ સાથે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.ચાર કલાક જેટલા સમય સુધી વરસેલા વરસાદના કારણે નિકોલથી લઈ એસ.જી.હાઈવે, સર્વિસ રોડ ઉપરાંત ગોતામાં આવેલા બંધન ટ્રાય એંગલ સુધીના તમામ વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા.૧૦૫ સ્થળ ઉપર બે કલાક સુધી વરસાદી પાણી ઓસરી શકયા નહતા. ૧૦ સ્થળ ઉપર આઠ કલાકથી વધુ સમય સુધી વરસાદી પાણી ભરાયેલા હતા.મીઠાખળી, અખબારનગર,પરિમલ, મકરબા અને ડી કેબીન અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા બંધ કરાયા હતા. શહેરમાં એક ડઝનથી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા. પાલડી સહિત કુલ છ વિસ્તારમાં ભુવા પડયા હતા.વટવા અને નિકોલમાં રોડ બેસી ગયા હતા. નિકોલમાં વરસાદી પાણીમાં ટ્રક પલટી હતી જયારે અન્ય એક બનાવમાં રીક્ષા પાણીમાં ડુબી હતી. વરસાદી પાણીનો નિકાલ કરવામાં કોર્પોરેશન હાંફી ગયુ હતુ.

આ ચોમાસામાં ૨૯ મે પછી બીજી વખત ૧૯જુનની મધરાતે બે કલાકથી શહેરમાં વરસાદી તાંડવના દ્રશ્યો જોવા મળ્યા હતા.રાતના બે કલાકથી સમગ્ર શહેરમાં ભારે વીજકડાકા અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસવાનુ શરુ થતા ગાઢ નીંદ્રામાં એવા શહેરીજનો એકાએક જાગી ગયા હતા.ગુરૃવાર મધરાતના વરસાદે ભેદ રાખ્યા વગર આખા શહેરમાં તોફાની બેટીંગ કરી હતી. આ કારણથી એસ.જી.હાઈવે, ગોતા, થલતેજ,પાલડી, વાસણા,વાડજ સહિતના મોટાભાગના વિસ્તારો ગણતરીના કલાકોમાં જ જળમગ્ન થઈ ગયા હતા.એસ.જી.હાઈવે અને તેના સર્વિસ રોડ ઉપર પહેલી વખત દોઢથી બે ફુટ જેટલા વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.આ જ પરિસ્થિતિ સરદાર પટેલ રીંગ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી.થલતેજ બ્રિજ પાસે આવેલા એસ.જી.હાઈવે સર્વિસ રોડ ઉપર પાંચ કલાક સુધી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.ટુ વ્હીલર અડધા ડુબી જાય એવી પરિસ્થિતિ હોવા છતાં કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી નિકાલની કોઈ કામગીરી શરુ કરવામાં આવી નહતી.સરદાર પટેલ રીંગ રોડ ઉપર પણ ભરાયેલા વરસાદી પાણીને લઈ ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી.રામોલ એકસપ્રેસ વે ઉપર આવેલા રીંગ રોડથી જી.આઈ.ડી.સી. ફેઝ-૪ તરફનો રોડ ધસી પડયો હતો. સૌથી વધુ કફોડી પરિસ્થિતિ નિકોલ વિસ્તારમાં જોવા મળી હતી. આ વિસ્તારમાં ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નાંખવાની કામગીરી ચાલતી હોવાથી રોડ બેસી ગયો હતો.