વડોદરાના કિશનવાડીમાં ટેમ્પો પાર્ક કરવાના મુદ્દે મારામારી થતા પાઈપથી હુમલો
Vadodara Crime : વડોદરાના કિશનવાડીના ભાથીજી ચોકમાં રહેતો મયુર સુરેશભાઈ માછી ફરાસખાનાનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 11 મી તારીખે મારા ફરાસખાનાથી કુલર ભાડે લઈને રાકેશ સુરેશભાઈ માછી ગયા હતા. રાત્રે 9:30 વાગે ટેમ્પો લઈને તેઓ કુલર ઉતારવા માટે આવ્યા હતા ત્યારે અમારી સામે રહેતા લાલાભાઈએ રાકેશ સાથે ટેમ્પો ઊભા રાખવા બાબતે ઝઘડો કર્યો હતો. જેથી મારો નાનોભાઈ તુષાર તેઓને શાંત રહેવાનું કહેવા જતા તેની સાથે પણ ઝઘડો થયો હતો.
મારા ભાઈએ મને ફોન કરીને જાણ કરતા હું પણ ઘરે પહોંચી ગયો હતો અને લાલાભાઇને કહેવા ગયો કે તમે કેમ ઝઘડો કરો છો તે દરમિયાન તેમનો દીકરો આવી ગયો હતો અને મને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. લાલાભાઇએ લોખંડની પાઇપ વડે મારા પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.