કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થિંગ રોડની ચોરી
Bharuch Theft Case : વાલીયા તાલુકાના કનેરાવ ગામ તથા વાલીયા ગામના સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થિંગ રોડ ચોરી લાખોનું નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા વાલીયા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.
મૂળ આણંદના રહેવાસી અને હાલ સુરતના વેલંજા ખાતે રહેતા મૌલિક કુમાર પટેલ વાલીયા ગામની સીમમાં ઉજ્જવલ ટેક્ષ ટાઇલ્સ સોલાર પ્લાન્ટમાં ઈપીસી હેડ તરીકે ફરજ ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વાલીયા ગામની સીમમાં 15 એકરમાં સોલાર પ્લાન્ટ છે. જેમાં તા . 15 જુલાઈના રોજ મેન્ટેન્સ સ્ટાફના માણસો વિઝીટ કરતા 11,484 મીટરની લંબાઈ ધરાવતા રૂ.5.08 લાખના ડીસી કેબલ તથા રૂ.8460ની કિંમતના 6 નંગ અર્થિંગ રોડની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. તેમજ તા. 24 જુલાઈના રોજ 4066 મીટરની લંબાઈના રૂ.5.08 લાખના ડીસી કેબલની ચોરી તેમજ અન્ય એક ડીસી કેબલને કાપી રૂ.88,500 નુકસાન પહોંચાડ્યું હતું. બીજા કિસ્સામાં કનેરાવ ગામની સીમમાં કોનિકા એન્ટીમાં પ્રાઇવેટ લિમિટેડનો આઠ એકર જમીનમાં સોલાર પાવર પ્લાન્ટ આવ્યો છે. કંપનીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હેનિલભાઈ પટેલની ફરિયાદ હતી કે, ગઈ તા.7 થી 8 ઓગસ્ટ દરમિયાન સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ કૂદી અજાણ્યા તસ્કરો રૂ.16,920 ની કિંમતના 12 નંગ અર્થિંગ રોડ, રૂ.27,500 ની કિંમતની છ નંગ આર્થિંગ પટ્ટી અને 7,870 મીટરની લંબાઈનો રૂ.3.48 લાખની કિંમતનો ડીસી કેબલ ચોરી ફરાર થઈ જઈ અન્ય એક કેબલ કાપી રૂ.66,375 નું નુકસાન પહોંચાડ્યું હતું.