સુરેન્દ્રનગર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્રથમ વખત ખેડૂતોએ તમાકુનું વાવેતર શરૃ કર્યું
130 હેક્ટર જમીન ઉપર ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે ૨૨,૩૯૧હેક્ટર જમીન ઉપર ઘઉં અને ૨૨,૧૫૦ હેક્ટર જમીન ઉપર જીરાનું વાવેતર કર્યું
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર હવે પૂર જોશથી શરૃ કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં ૮૪,૧૯૮ હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે સુરેન્દ્રનગર જિલ્લો એ શિયાળુ પાકમાં જીરું ઘઉં વરિયાળી શાકભાજી લીલો ચારો ધાણા ઇસબગુલ જેવા પાકોના વાવેતર માટે જાણીતો જિલ્લો ગણવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે માવઠું પડયું હોવાના કારણે વાવેતર થોડું મોડું થઈ રહ્યું છે તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ૮૪,૧૯૮ હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે.
જેમાં ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા સૌથી વધુ જમીન ઉપર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે અને બીજા ક્રમાંકે જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે હજુ જોઈએ તેટલી ઠંડી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહી નથી તે છતાં પણ ખેડૂતો નવી આશા અને ઉમંગ સાથે વાવેતર કરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા લસણ ધાણા સુવા ઇસબગુલ અને રાય ચણા ઘાસચારો શાકભાજી અને ડુંગળી નું વાવેતર કર્યું છે અને નવી આશા સાથે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ખેતી સાથે જોડાયા છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિયાળુ પાકનું વાવેતર વઢવાણ પંથકમાં કરવામાં આવ્યું છે વઢવાણ પંથકમાં ૧૮૦૧૫ એક્ટર જમીન ઉપર વાવેતર સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત લીંબડી ચોટીલા ધ્રાંગધ્રા દશાળા લખતર અને મુળી પંથકમાં પણ સારું એવું ખેડૂતોએ વાવેતર ની પ્રક્રિયા પૂર્ણ કરી છે પરંપરાગત રીતે ખેતીમાં ખેડૂતો દ્વારા જે પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તેમાં ચાલુ વર્ષે ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે પ્રથમ વખત તમાકુનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. એક બાજુ નર્મદા વિભાગ દ્વારા નર્મદાની કેનાલોમાં પાણી શરૃ કરવામાં આવ્યું છે જેને લઇને વાવેતરની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં બે લાખ હેકટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર થતું હોય છે ત્યારે ચાલુ વર્ષે ૮૪,૧૯૮ હેક્ટર જમીન ઉપર વાવેતર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હજુ પણ વાવેતર કરવું છે ત્યારે ચાલુ વર્ષે પણ ખેતીવાડી વિભાગે એક અંદાજ વ્યક્ત કર્યો છે જેમાં પણ બે લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વાવેતર થઈ જશે અને નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોવાના કારણે સિંચાઈનું પાણી મળી રહેતું હોવાના કારણે વાવેતર વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ખેડૂતો દ્વારા તમાકુના પાકનું વાવેતર કરવામાં આવ્યું ૧૩૦ હેક્ટર જમીન ઉપર તમાકુનો પાકનું વાવેતર કરાયું.
સામાન્ય રીતે ચરોતર સહિતના અન્ય પ્રદેશોમાં તમાકુનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય છે. સુરેન્દ્રનગર જિલ્લોએ તમાકુ ઉત્પાદન માટે જાણીતો નથી અને ખેડૂતો તમાકુનું ઉત્પાદન દર વર્ષે કરતા પણ નથી હોતા પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોએ ખેતીમાં નવીનતા અપનાવી અને ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા ૧૩૦ હેક્ટર જમીન ઉપર તમાકુના પાકનું વાવેતર કર્યું છે વાવેતર સફળતા પૂર્ણ રીતે કરવામાં આવ્યું છે પરંતુ તેમાં કેટલી સફળતા મળે છે અને કેટલો તમાકુના પાકમાં ઉતારો આવે છે તે તો પાક તૈયાર થાય ત્યારબાદ ખબર પડશે પરંતુ જિલ્લાના ખેડૂતોએ ફરી એક વખત ખેતી માં નવીનતા દેખાડી છે અને તમાકુની ખેતી તરફ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ હાથ અજમાવ્યો છે.
તમાકુનો પાકનું વાવેતર માટે પરમિશનની કોઈ જરૃર નથી - મુકેશ પરમાર (ખેતીવાડી અધિકારી)
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રથમ વખત તમાકુના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ખેતીવાડી વિભાગ દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે જેમાં ધ્રાંગધ્રા પંથકમાં ૧૩૦ હેક્ટર જમીન ઉપર તમાકુના પાકનું ખેડૂતો દ્વારા સફળ વાવેતર કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બાબતે ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર ને પૂછવામાં આવતા તેમને જણાવ્યું છે કે તમાકુના પાકના વાવેતર માટે કોઈ પરમિશન લેવાની જરૃર નથી અને ગમે તે ખેડૂતો તમાકુના પાકનું વાવેતર કરી શકે છે અગામી દિવસોમાં તમાકુના વાવેતર તરફ સુરેન્દ્રનગર જિલ્લો વળી રહ્યા હોવાનો પણ એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

