શનિવારે સાંજે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
ચાર દિવસથી અતિશય ઉકળાટના વાતાવરણથી રાહત
વડોદરા,શનિવારે સાંજે વડોદરામાં 4૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. છેલ્લા ચાર દિવસથી બફારાના કારણે ઉકળાટનો અહેસાસ કરતા શહેરીજનોએ રાહતનો અનુભવ કર્યો હતો.
અરબી સમુદ્રમાં વાવાઝોડાના પગલે રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારોેને એલર્ટ કરવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભારે ઉકળાટનો માહોલ છે. આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૯ અને ન્યૂનત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને સાંજે ભેજનું પ્રમાણ ૪૫ ટકા હતું. પરંતુ, આજે સાંજે છ વાગ્યે અચાનક વંટોળ સાથે પવન ફૂંકાયો હતો. અંદાજે અડધો કલાક સુધી શહેરમાં 4૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. વરસાદ પડયો નહતો. પરંતું, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આવતીકાલથી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.