સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક, તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે
સાજણ આહિરની આવક કરતા વધુ મિલકતોની તપાસ માટે એક ડોઝિયર તૈયાર કરી એસીબીને સુપરત કરાશે
વડોદરા, તા.28 રૃા.૧૫ લાખની લાંચમાં સંડોવાયેલા સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ ભરવાડ સામે એસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કરજણ તાલુકાના સાંપા ગામ પાસે દારૃનો જથ્થો ભરેલું એક ટેન્કર જિલ્લા એલસીબીએ ઝડપી પાડયું હતું. આ ટેન્કરને અગાઉ છોડી દેવા માટે સ્ટેટ વિજિલન્સના બહુચર્ચિત કોન્સ્ટેબલ સાજણ આહિરે રૃા.૧૫ લાખ લાંચ લીધી હતી. રૃા.૧૫ લાખની લાંચ છતાં દારૃ ભરેલું ટેન્કર ઝડપાતા રાજસ્થાનના ગેંગસ્ટર તેમજ સપ્લાયર અનિલ પાંડીયાએ કોન્સ્ટેબલ સાથે થયેલી વાતચીતની ઓડીયો ક્લિપ વાયરલ કરી દેતા સાજણ આહિરનો તોડકાંડ ખૂલ્લો થયો હતો.
સાજણના ગુજસીટોક ગુનાના વોન્ટેડ આરોપી સાથે સંપર્કોનો પર્દાફાશ થતાં સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાના જ કોન્સ્ટેબલ સાજણ સામે પણ ગુજસીટોકના ગુનામાં આરોપી બતાવ્યો હતો અને સાથે સાથે તેને કરજણના દારૃના કેસમાં પણ રૃા.૧૫ લાખની લાંચના કેસમાં આરોપી બનાવાયો હતો. વિજિલન્સે સાજણ આહિરની અટકાયત કરીને વડોદરા જિલ્લા પોલીસને સોંપતા હાલ તે રિમાન્ડ પર છે જ્યારે તે ગુજસીટોકનો પણ આરોપી છે.
દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે સાજણ આહિર સામે લાંચનો ગુનો છે તેમજ તેને આ પ્રકારના કૃત્યો કરીને મોટી રકમ ઘરભેગી કરી હોય અને આવક કરતા વધુ મિલકતો વસાવી હોવાની શક્યતા નકારી શકાતી નથી જેથી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા લાંચની રકમ તેમજ અન્ય વિગતો અંગે એક ડોઝિયર તૈયાર કરવામાં આવશે અને તેને એસીબીની સુપરત કરાશે જેથી લાંચ તેમજ આવક કરતા વધુ મિલકતોની તપાસ એસીબી દ્વારા કરી શકાય.
સાજણના વતન જામખંભાળિયામાં તપાસ માટે ટીમ પહોંચી
સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલના રૃા.૧૫ લાખના તોડકાંડની તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે.
ત્રણ પીએસઆઇની ટીમો પૈકી એક પીએસઆઇની ટીમ આજે સાજણ આહિરના જામનગર જિલ્લામાં જામ ખંભાળિયા ખાતે વતનમાં પહોંચી હતી. આ ટીમ દ્વારા તેના ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સાજણ આહિરના સાગરીતો કોણ છે તેના મિત્રોની તપાસ કરાઇ રહી છે. સાજણ આહિરનો ભૂતકાળ કેવો છે તે દિશામાં પણ ઉંડી તપાસ કરાશે.
આંગડિયા પેઢીના પુરાવા એકત્ર માટે ગાંધીનગર અને જૂનાગઢમાં તપાસ
સાજણ આહિરના તોડકાંડ માટે રચાયેલી બીજી ટીમ ગાંધીનગર તેમજ કોડિનાર પહોંચી હતી. રૃા.૧૫ લાખ રોકડા રાહુલભાઇના નામે આંગડિયું બૂટલેગરે ગાંધીનગર ખાતે મોકલ્યું હતું અને તે જ દિવસે રૃા.૫ લાખ હાર્દિક નામનો શખ્સ લઇ ગયો હતો. રૃા.૧૦ લાખ તે જ દિવસે ગાંધીનગરથી જૂનાગઢના એમ.જી.રોડ પર રાકેશવાળાને આંગડિયું કર્યા બાદ રોકી નામનો શખ્સ પૈસા લઇ ગયો હતો. સીટની બીજી ટીમ દ્વારા આંગડિયા પેઢીમાંથી સીસીટીવીસહિતના પુરાવા એકત્ર કરવામાં આવશે.
સાજણ આહિરનો વોઇસ સ્પેક્ટોગ્રાફિ ટેસ્ટ કરાશે
મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર દારૃ ભરેલું ટેન્કર ઝડપાયું તે પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણે રૃા.૧૫ લાખનો તોડ રાજસ્થાનના નામચીન સપ્લાયર અનિલ પાંડીયા સાથે કર્યો હતો. પરંતુ દારૃ ભરેલું ટેન્કર ઝડપાઇ જતા બૂટલેગરે કોન્સ્ટેબલ સાજણ આહિર સાથે કરેલી વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ કરી દીધું હતું. આ ઓડિયો ક્લિપ પોલીસ પાસે પણ હોવાથી તેની ખરાઇ કરવા માટે કોન્સ્ટેબલની વોઇસ સ્પેક્ટોગ્રાફિ કરવામાં આવશે.