વડોદરાઃ છાણી વિસ્તારના યુવકની હત્યા માટે પત્ની અને પ્રેમીએ રચેલા કારસાના બનાવની તપાસમાં પ્રેમી પાસેથી રૃ.૩૫હજારની સોપારી લેનાર નરેન્દ્રગિરિ ઉર્ફે નિકુલ ગોસ્વામીનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી.જેથી છાણી પોલીસે ત્રણ ટીમો કામે લગાડી છે.
છાણીમાં રહેતા ગિરીશ પટેલની પત્ની ફાલ્ગુની સાથે સબંધ ધરાવતા કૌશિક શર્મા(બામરોલી,વસો)એ ગિરીશનો કાંટો કાઢવા માટે ગિરીશની પત્નીની સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું.જે મુજબ હેરસલૂન ધરાવતા કૌશિકે તેના પરિચિત નિલકંઠ મારફતે વડોદરાના નરેન્દ્રગિરી ઉર્ફે નિકુલ ગોસ્વામીને સોપારી આપી હોવાની વિગતો ખૂલી હતી.
નરેન્દ્રએ યોજના ઘડી રૃદ્ર રાવળ પાસે રેકી કરાવી હતી અને કારમાં સાગરીતો મારફતે ગિરીશનું અપહરણ કરાવ્યું હતું.ત્યાર બાદ ગિરીશને સોજીત્રાની કેનાલમાં ફેંકી દેવાયો હતો,પરંતુ ગિરીશના હાથમાં પીલર આવી જતાં આખી રાત પાણીમાં વીતાવી હતી અને સવારે માંડમાંડ જીવબચાવીને બહાર નીકળ્યો હતો.
આ બનાવમાં છાણીના પીઆઇ આરએલ પ્રજાપતિએ હત્યા માટે સોપારી આપનાર કૌશિક સહિત કુલ પાંચની ધરપકડ કરી હતી. ત્યારબાદ કૌશિકને સાથ આપનાર અને પહેલે થી જ તમામ હકીકત છુપાવનાર ગિરીશની પત્ની ફાલ્ગુની તેમજ રેકી કરનાર રૃદ્રની પણ ધરપકડ કરતાં બંનેને જેલમાં ધકેલી દેવાયાછે.
ગિરીશની હત્યાનું ષડયંત્ર સોશ્યલ મીડિયા પરથી રચાયું હોવાની આશંકા
ગિરીશની હત્યાનું ષડયંત્ર કેવી રીતે રચાયું તે મુદ્દો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.આ માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.
છાણીના પાન પાર્લરના સંચાલક ગિરીશની હત્યા માટે રચાયેલું ષડયંત્ર નિષ્ફળ જતાં છાણી પોલીસની એક ટીમ હવે કોઇ પણ પુરાવો બાકી ના રહે તે રીતે હત્યાનું ષડયંત્ર કેવી રીતે ગોઠવાયું તેની વિગતો મેળવી રહી છે.
પોલીસને આશંકા છે કે હત્યા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરાયો હોવો જોઇએ,જેથી સૂત્રધાર પ્રેમી કૌશિક અને ગિરીશની પત્નીના મોબાઇલ કબજે લઇ સર્ચ હિસ્ટ્રી તેમજ ચેટ મેળવવા બંનેના મોબાઇલને ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ કરાઇ છે.
પુરાવો ન રહે તે માટે ગિરીશના ATM કાર્ડનો ઉપયોગ ન કર્યો
ગિરીશનું કારમાં અપહરણ કરનારા અપહરણકારોએ તેને ચાકુ બતાવી ધમકી આપી હતી અને એટીએમ કાર્ડ તેમજ રૃ.૪૦૦ લૂંટી લીધા હતા.અપહરણકારોએ ગિરીશ પાસેથી તેના એટીએમ કાર્ડનો પિન નબંર પણ મેળવી લીધો હતો.જો કે ત્યારબાદ એટીએમ કાર્ડનો ઉપયોગ કરવાથી સીસીટીવી કેમેરામાં ચહેરો આવી જાય તેમજ પુરાવો ઉભો થાય તેમ લાગતાં અપહરણકારોએ તેનો ઉપયોગ કર્યો નહતો.


