- ઈજાગ્રસ્ત પતિ અને બે બાળકો સારવાર હેઠળ
- આંકલાવના ભાણપુરા ગામનું દંપતી અને બે બાળકો ખરીદી કરી બાઈક પર પરત ફરતા અકસ્માત
આંકલાવ ભાણપુરા ભાથીજી મંદિર પાસે રહેતા ભરતસિંહ વિક્રમસિંહ રાજ પત્ની અને બે બાળકોને મોટરસાઇકલ પર લઇને તા. ૧૮-૧૦-૨૦૨૫ના રોજ વાસદ ખરીદી કરવા ગયા હતા. બાદમાં દંપતી અને બે બાળકો બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા.
ત્યારે વાસદ- તારાપુર હાઈવે થઈ વાસદ રેલવે ઓવરબ્રિજ પર પસાર થતી વખતે અજાણ્યા વાહને પાછળથી બાઈકને ટક્કર મારતા ચારેય રોડ ઉપર પટકાયા હતા. ભરતસિંહે જોયું તો ટ્રેલર પૂરઝડપે પસાર થઈ ગયું હતું.
અકસ્માતમાં પત્ની હેતલબેનને માથામાં ગંભીર ઈજાઓ થતા બેભાન થઈ ગયા હતા. દીકરી અંજલીને કમરના ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે પિતા અને પુત્ર બંનેને સામાન્ય ઈજા થઈ હતી. જાણ થતા ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત ચારેયને વાસદ સીએચસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
જ્યાં ડૉક્ટરે તપાસી પત્ની હેતલબેન ભરતસિંહ રાજ (ઉં.વ. ૨૫)ને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ભરતસિંહે અજાણ્યા ટ્રેલર ચાલક સામે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


