રાજકોટનો અજીબો ગરીબ કિસ્સો, પતિએ પત્નીના પ્રેમી થકી જન્મેલી બાળકીને સગી દીકરીને જેમ ઉછેરી
AI Images |
Rajkot News: રાજકોટમાં એક અજીબો-ગરીબ અને માનવામાં ના આવે તેવો કિસ્સો અભયમની ટીમ પાસે પહોંચ્યો હતો. જેમાં એક મહિલાએ પ્રેમી થકી પ્રાપ્તપુત્રીને પ્રેમીએ લઈ જવાનો પ્રયાસ કરતાં ડિપ્રેશનમાં આવી આત્મહત્યાનો વિચાર કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ કિસ્સામાં પતિને પણ તેની પત્નીને પ્રેમી થકી પુત્રીની પ્રાપ્તી થયાની જાણ હતી. છતાં તેમણે પત્નીનો ત્યાગ કર્યો ન હતો! એટલું જ નહીં પત્નીને પ્રેમી થકી પ્રાપ્ત પુત્રીને પોતાની સગી પુત્રીની જેમ ઉછરી પ્રેમ આપ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેરના મધ્યમવર્ગીય પરિવારની આ ઘટના છે. જેમાં પીડીતાએ પ્રેમલગ્ન કર્યા હતા. દામ્પત્ય જીવન દરમિયાન તેને પુત્ર અને પુત્રીની પ્રાપ્તી થઈ હતી. થોડા સમય બાદ તેને એક યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી થકી તેને પુત્રીની પણ પ્રાપ્તી થઈ હતી. જે હવે ત્રણ વર્ષની છે. પીડીતા પાસે તેનો પ્રેમી અવાર-નવાર પોતાની પુત્રીને લઈ જવાની વાત કરતો હતો. પરંતુ પીડીતાને સ્વીકારતો ન હતો. આ સ્થિતિમાં પીડીતાએ પુત્રીને આપવાની ના પાડી દીધી હતી. આમ છતાં પ્રેમી પુત્રીને લઈ જવા દબાણ કરતો હોવાથી પીડીતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેને કારણે છેલ્લા ત્રણ દિવસથી તેમણે અન્નનો પણ ત્યાગ કરી દીધો હતો અને આપઘાત કરવાની વાતો કરતી હતી.
આ ઘટનાક્રમ વચ્ચે પીડીતાના પતિ જ તેની વહારે આવ્યા હતા. તેમણે જ અભયમની ટીમને જાણ કરતાં કાઉન્સેલર બીનાબેન ગોહિલ પહોંચ્યા હતા. જેમણે પીડીતાને સમજાવટ કરી હતી. અભયમની ટીમને તપાસ કરતાં જાણવા મળ્યું કે પીડીતાના પતિ પોતાની પત્નીના લગ્નેતર સંબંધોથી અને તેને પ્રેમી થકી પુત્રીની પ્રાપ્તી થયાની બાબતથી વાકેફ હતા.
આમ છતાં તેમણે તે પુત્રીને પોતાની સગી દિકરીની જેમ ઉછેરી હતી. એટલું જ નહીં તે દિકરી પણ પોતાના સગા પિતા કરતા તેની વધુ નજીક હતી. પીડીતાને પતિએ સ્પષ્ટ કહી દીધું હતું કે તેના પ્રેમી પાસે તે ‘પોતાની દિકરી'ને એકલી નહીં જવા દે. જો પ્રેમી તેને અને તેની પુત્રીને સાથે લઈ જવા તૈયાર હોય તો તેને કોઈ વાંધો નથી, પરંતુ પ્રેમી પીડીતાને લઈ જવા તૈયાર ન હતો. તેમને માત્ર પોતાની પુત્રીને લઈ જવામાં રસ હતો. પીડીતાએ અભયમની ટીમને તેના પ્રેમીને સમજાવટ કરવાથી રોકી કહ્યું કે તેનો કોઈ મતલબ નથી. અભયમની ટીમે પીડીતાને કહ્યું કે 'પુત્રી ઉપર તેનો જ અધિકાર છે. હવે પીડીતાએ કોર્ટ મારફત પુત્રીનો હંમેશા પોતાની પાસે જ કબજો રહે તે માટે લડાઈ લડવાની વાત કરી છે.'