પત્નીએ પતિની સ્ત્રી મિત્રના અશ્લીલ ફોટા વાયરલ કર્યા
પ્રેમલગ્નના વિચ્છેદ બાદ પત્ની વીફરી અલગ થયા ગયા બાદ પતિનો જેની સાથે સંબંધ થયો તે મહિલાને સોશ્યલ મીડિયામાં બદનામ કરી
પોરબંદર, : રાણાવાવની એક મહિલાએ એક પરિણીતાના અશ્લીલ ફોટા વાયરલ કર્યા હોવા બદલ તેના વિરૂધ્ધ આઇ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોરબંદરના એક યુવાને આ ફરિયાદમાં લખાવ્યું છે કે હાલ વિદેશમાં રહેતી તેની બહેને ફોન કરીને તેને જણાવ્યુ હતુ કે રાણાવાવમાં રહેતા એક વ્યક્તિ સાથે પાંચેક વર્ષથી તેને સંબંધ છે અને તેથી બંનેના ફોટા એ વ્યક્તિના મોબાઇલમાં હતા, જે રાણાવાવ રહેતી પૂજા ઉર્ફે પ્રફુલ્લા નેભા ઓડેદરાએ આ યુવતીને મોકલી, ગાળો આપીને રૂપિયાની માગણી કરી છે કારણકે તે ફોટા અશ્લીલ છે. બહેનની આ રીતે બદનામી થતી હોવાથી ભાઇએ તપાસ કરતા એવુ જાણવા મળ્યુ કે અલગ-અલગ વ્યક્તિઓને આ અશ્લિલ ફોટા મોકલવામાં આવ્યા છે. આ સંદર્ભે નેભા ભીખુ ઓડેદરાને મળીને યુવાને પૂછપરછ કરતા તેણે એવુ જણાવ્યુ હતુ કે સાત વર્ષ પહેલા પૂજા ઉર્ફે પ્રફુલ્લા રાજ્યગુરૂ સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને બે વર્ષ ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ તેની પત્ની પૂજા નેભાથી અલગ રહેવા ચાલી ગઇ હતી. ત્યારબાદ જેના ફોટા વાયરલ થયા છે તે ફરિયાદીની બહેન સાથે નેભાને સંબંધ બંધાયા હતા અને તેઓ મળતા ત્યારે રાજીખુશીથી અશ્લીલ ફોટા પાડયા હતા. નેભો તેની પત્ની પ્રફુલ્લા પાસે સમાધાનની વાતચીત કરવા જતો હતો ત્યારે નેભાની જાણ બહાર તેના ફોનમાંથી તેના અને એ મહિલાના અશ્લીલ ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ પ્રફુલ્લાએ જેના અશ્લીલ ફોટા છે તે મહિલાને ફોટા મોકલીને પૈસાની માંગણી કરી હતી. આથી અંતે આ યુવાને રાણાવાવ પોલીસમથક ખાતે આવીને તેની બહેનના અશ્લીલ ફોટા વાયરલ કરી પૈસાની માંગણી કરનાર પૂજા ઉર્ફે પ્રફુલ્લા નેભા ઓડેદરા સામે ફરિયાદ કરી છે.