Gujarat

દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ

By GS TEAM
21 Nov 20252 mins read
દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ

અમદાવાદની કન્યા સહિત પાંચ વિરૂધ્ધ ગુનો નોંધાયો

વચેટિયાઓને કોલ કરતાં લાજવાને બદલે ગાજી ગાળો ભાંડી, ધમકી આપી, ખોટી સહી કરેલો ચેક પધરાવ્યો

રાજકોટ: લગ્નના નામે રૈયાધારના બંસીપાર્ક શેરી નં.૩માં રહેતાં અને નિર્મળા રોડ પર આવેલી માવાની દુકાનમાં નોકરી કરતાં વિપુલ લાઠીયા (ઉ.વ.૩૭) સાથે રૂા.ર.૬૭ લાખની છેતરપિંડી થઈ હતી. ગાંધીગ્રામ પોલીસે આ અંગે અમદાવાદના રાજુ ઠક્કર, હસમુખ મહેતા, ચાંદની, તેની માતા સુશિલાબેન અને પિતા રમેશ રાઠોડ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ફરિયાદમાં વિપુલે જણાવ્યું છે કે ર૦ર૩માં સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ  જયમાડી મેરેજ બ્યુરોના હસમુખનો સંપર્ક કર્યો હતો. જેણે તેના લગ્ન કરાવી આપવાનું કહેતાં અમદાવાદમાં તેની ઓફિસે ગયો હતો. જયાં વાતચીત થયાના થોડા દિવસો પછી અમદાવાદમાં એક યુવતી બતાવી હતી. પરંતુ તે મહારાષ્ટ્રની હોવાથી ના પાડી હતી. થોડા સમય બાદ રાજુ ઠકકર મારફત ચાંદનીનો સંપર્ક કરાવ્યો હતો.  તેની સાથે લગ્ન માટે રૂા.ર.૩૦ લાખ આપવાનું કહેતાં તૈયાર થઈ ગયો હતો. 

નકકી થયા મુજબ અમદાવાદમાં ફેરાફેરની વીધી કરાવી રજીર્સ્ટડ મેરેજ કરાવ્યા હતા. તે વખતે વકિલે કહ્યું કે લગ્ન થઈ ગયા છે, ત્રણ મહિના પછી મેરેજ સર્ટીફિકેટ આવી જશે. આ વીધી બાદ તેણે ચાંદનીને સોનાના દાગીના પણ આપ્યા હતા. તેના ઘરે દસેક દિવસ ચાંદની રોકાઈ હતી. 

આ પછી તેણે કહ્યું કે રિવાજ મુજબ મારે દસ દિવસ પિયરમાં રોકાવા જવું પડશે. બાદમાં ચાંદની જતી રહી હતી. ઘણાં દિવસો સુધી પરત આવી ન હતી. તેના પરિવારના સભ્યો જુદા-જુદા બહાના કાઢતાં હતા. આખરે તેણે હસમુખભાઈને વાત કરતાં તેણે કહ્યું કે ચાંદની છૂટું કરવા માગે છે. જેથી તેણે પૈસા પરત માગતા રૂા.એક લાખનો ચેક આપ્યો હતો. બાકીની રકમ પછીથી આપવાનું સ્વીકાર્યું હતું. 

ચેક બેન્કમાં નાખતા ખોટી સહિના શેરા સાથે પરત ફર્યો હતો. તે વખતે રાજુએ ચેક પરત આપી રોકડા રૂપિયા લઈ જવાનું કહ્યું હતું. થોડા દિવસો પછી તેને કોલ કરતાં ગાળો ભાંડી કહ્યું કે થાય તે કરી લેજે, પૈસા આપવા નથી, પોલીસ કેસ કરવો હોય તો કરી લેજે. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.