સાવલી તા.૨૧ પત્નીને કેમિકલ છાંટી સળગાવી દઇ લાશને કોથળામાં બાંધી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામની સીમમાં ગટરમાં લાશને કોથળામાં બાંધી ૨૫ વર્ષ પહેલા ફરાર થઇ ગયેલા પતિને જિલ્લા પોલીસે યુપીમાં જઇને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા-સાવલીરોડની નજીક અંકિતા સ્ટીલ કંપનીની બાજુમાં આવેલી નર્સરીની સામે રોડની બાજુની ગટરમાંથી કંતાનના કોથળામાંથી એક અજાણી મહિલાની સળગી ગયેલી લાશ મળી હતી. આ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનમાં તા.૧૬ એપ્રિલ ૨૦૦૦ના રોજ હત્યાનો ગુનો દાખલ થયો હતો. પોલીસ તપાસમાં મૃતક મહિલાનું નામ ખૂલ્યું હતું અને તેની કેમિકલ છાંટીને સળગાવીને હત્યા કર્યા બાદ તેનો પતિ ભરથરી ઉર્ફે નિરાલાપ્રસાદ વિશ્વનાથ કનકર (રહે.સંતગાડાવેનગર, સવાયા, થાના કસીયા, જિલ્લો કુશીનગર, ઉત્તર પ્રદેશ) ફરાર થઇ ગયો હતો.
પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે તે મગફળીની લારી મુકુટનગર ખાતે રોડ પર ચલાવતો હતો ત્યારે તેની પત્નીને વતનમાંથી વડોદરા લાવી સળગાવી દીધી હતી. છેલ્લા ૨૫ વર્ષથી ફરાર હત્યારા પતિને શોધવા માટે એલસીબીએ તપાસ હાથ ધરી હતી અને તે ઉત્તર પ્રદેશના તેના ગામમાં જ રહેતો હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ યુપી ગઇ હતી અને ત્યાં વેશપલટો કરીને રહેતી હતી. દરમિયાન ભરથરી ઉર્ફે નિરાલાકુમાર ઘરની બહાર આવતા જ તેને ઝડપી પાડી વડોદરા લાવી ભાદરવા પોલીસને સોંપી દેવાયો હતો. પોલીસે આજે ૬૩ વર્ષના આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


