છાણીના મકાનમાં દંપતીના મોતનું કારણ ખૂલ્યુંઃ પત્નીએ પતિનું નગ્ન હાલતમાં જ ગળું દબાવી પોતે ફાંસો ખાઇ લીધો

વડોદરાઃ સમા - છાણી કેનાલ રોડ પર રહેતા દંપતીના બંધ રૃમમાંથી મૃતદેહ મળી આવવાના રહસ્યમય બનાવનો ભેદ ઉકેલાયો છે.જેમાં પત્નીએ પતિની નગ્ન અવસ્થામાં જ હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.
સમા - છાણી કેનાલ રોડ પર વસુ પાર્ક સોસાયટીમાં રહેતા અને જિમ ચલાવતા તેમજ શેરમાર્કેટનું કામ કરતા વિશાલભાઇ રશ્મિકાંતભાઇ પરમાર (૪૪) અને તેમના પત્ની ભાવિતાબેન(૪૧) તા.છઠ્ઠીએ રાતે શ્રીજી વિસર્જન જોઇને પરત ફર્યા બાદ રૃમમાં સૂઇ ગયા હતા.જ્યારે તેમનો દીકરો દાદી સાથે ઉપરના માળે સૂઇ ગયો હતો.સવારે પુત્ર ઉઠયો હતો અને રૃમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, માતા -પિતાએ દરવાજો નહીં ખોલતા તેણે માસીને જાણ કરી હતી.માસાએ દરવાજાને ધક્કો મારતાં તૂટી ગયો હતો અને બેડરૃમમાં જોતાં વિશાલભાઇની લાશ બેડની નીચે નગ્ન હાલતમાં હતી.જ્યારે,ભાવિતાબેનની લાશ પંખા પર લટકી રહી હતી.
ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ કહ્યું હતું કે,આ બનાવની તપાસ દરમિયાન ભાવિતાબેનને પેટની બીમારી રહેતી હોવાથી સારવાર ચાલતી હતી.જેથી તેમનો સ્વભાવ ચીડીયો થઇ ગયો હોવાથી પતિ સાથે વારંવાર નાનીનાની વાતે ઝઘડા કરતી હોવાની વિગતો બહાર આવી છે.તા.છઠ્ઠીએ રાતે ભાવિતાએ પતિને ગળે ચૂંદડીથી ફાંસો આપી હત્યા કર્યા બાદ પોતે પણ પંખા સાથે ચૂંદડી બાંધી આત્મહત્યા કરી લીધી હોવાનું જણાય છે.જેથી તેમના પુત્રની ફરિયાદ નોંધવામાં આવી છે.








