પોર પાસે ટેન્કર નીચે પત્નીનું મોત, પતિ તેમજ પુત્રને ઇજા

વડોદરા, તા.12 પોર પાસે ટેન્કરનું વ્હિલ ફરી વળતા બાઇક પર સવાર માંજલપુર વિસ્તારની પરિણીતાનું મોત નિપજ્યું હતું જ્યારે પતિ અને પુત્રને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.
આ અંગેની વિગત એવી છે કે માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે રામેશ્વરનગર ખાતે રહેતો પ્રતિક સુરેશચન્દ્ર પાવા (ઉ.વ.૨૮) મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે સવારે તે પત્ની કાજલ અને ચાર વર્ષનો પુત્ર વેદાંત ત્રણે જણા બાઇક પર ઝનોર ગામે બેસણામાં ગયા હતાં અને ત્યાંથી ભરૃચ દાદીને મળ્યા બાદ સાંજે વડોદરા પરત ફરતા હતાં.
પોર પાસે આવતા હાઇવે પર ટ્રાફિક હોવાથી પ્રતિક બાઇક સાઇડના ટ્રેક પર ધીમી ચલાવતો હતો ત્યારે પાછળથી પૂરપાટઝડપે આવતી એક ટેન્કરે બાઇકને ટક્કર મારતા ત્રણે રોડ પર પટકાયા હતાં. કાજલ પર ટેન્કરનું વ્હિલ ફરી વળતા તેનું કરૃણ મોત નિપજ્યું હતું. આ અંગે વરણામા પોલીસે ટેન્કરચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








