પતિના મોતથી વ્યથિત પત્નીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો
માણેજામાં એકલતાથી કંટાળીને વૃદ્ધે જીવન ટૂંકાવી દીધું
વડોદરા,એક વર્ષ પહેલા થયેલા પતિના અવસાન પછી દુખી રહેતી પત્નીએ આજે સવારે ઘરે પંખા પર લટકીને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે માણેજામાં એકલતાના કારણે વૃદ્ધે આપઘાત કર્યો હતો.
અટલાદરા વચનામૃત રેસિડેન્સીમાં રહેતા ૫૬ વર્ષના રતના અસિતભાઇ દેબે બે પુત્રો અને પૂત્રવધૂ સાથે રહેતા હતા. આજે સવારે ઘરે પંખા પર દોરડા વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે અટલાદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એમ.વસાવાએ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, રતનાબેનના પતિનું એક વર્ષ અગાઉ અવસાન થયું હતું. ત્યારથી તેઓ વ્યથિત રહેતા હતા. તેના કારણે જ તેમણે જીવન ટૂંકાવી દીધું હોવાની શક્યતા છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, માણેજા ડ્રીમ રેસિડેન્સીમાં રહેતા ૬૬ વર્ષના ચંદ્રકાંતભાઇ રામભાઉ હીરે અગાઉ કોઓપરેટિવ બેન્કમાં નોકરી કરતા હતા. પત્નીના અવસાન પછી પિતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે પુત્ર નોકરી જતો રહે પછી તેઓ ઘરે એકલા જ રહેતા હતા. ગઇકાલે રાતે ચંદ્રકાંતભાઇએ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. એકલતાના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસ દ્વારા સેવાઇ રહી છે.