બાઇક સવાર દંપતીને કાર ચાલકે ટક્કર મારતા પત્નીનું મોત
પતિને સામાન્ય ઇજા : પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી શરૃ કરી

વડોદરા,ફાજલપુર મહિસાગર નદીના બ્રિજ પર બાઇક પર જતા દંપતીને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા પત્નીનું મોત થયું છે. જ્યારે પતિને સામાન્ય ઇજા થઇ છે.
હરણી મોટનાથ મહાદેવ મંદિર રોડ પર સિદ્ધેશ્વર હેપ્પી હોમમાં રહેતા ૬૨ વર્ષના નયનાબેન મહેન્દ્રભાઇ મિસ્ત્રી આજે સવારે પતિ સાથે બાઇક પર વાસદ જતા હતા. સવારે ૧૧ વાગ્યે તેઓ ફાજલપુર મહિસાગર નદીના બ્રિજ પરથી જતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે પાછળથી તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. નયનાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેમના પતિને ઓછીવત્તી ઇજા પહોંચી હતી. જે અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

