બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત
પત્નીને નોકરી કરવા દેતો નહતો અને શંકા રાખી ઝઘડો કરી ત્રાસ આપતો હતો

વડોદરા,ખાનગી બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને હોસ્પિટલમાં નોકરી કરતી પત્નીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે રહેતા શારદાબેન ધનસિંગભાઇ રાઠવા હાલમાં વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાં રહે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી નાની દીકરી અનસૂયા ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. મારી દીકરી અભ્યાસ અને ટ્રેનિંગ પૂરી કર્યા પછી અટલાદરા બી.એ.પી.એસ. હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી હતી. મેં તેને લગ્નની વાત કરતા તેણે મને કહ્યું હતું કે, હું યુનિવર્સિટીમાં ભણતી હતી ત્યારે મારી સાથે અભ્યાસ કરતા વિવેક હસમુખભાઇ ચાવડા (રહે. વેરાવળ) સાથે તા. ૨૯ - ૦૬ - ૨૦૨૦ ના રોજ લગ્ન કરી લીધા છે. મારી દીકરી નવેમ્બર - ૨૦૨૪ થી વિવેક સાથે રહેતી હતી. મારી દીકરી આર્યા એક્ઝોટિકા બિલ ગામ ખાતે રહેતી હતી. મારી દીકરી સ્ટર્લિંગ હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને તેનો પતિ વિવેક યશ બેંકમાં નોકરી કરતો હતો. મારી દીકરીએ મને જણાવ્યું હતું કે, મારો પતિ મને નોકરી કરવા દેતો નથી અને શંકા રાખી ઝઘડા કરે છે. ત્યારબાદ મારી દીકરી મારી મોટી દીકરી શિલાના ઘરે વાઘોડિયા રોડ ખાતે રહેતી હતી. ઓગસ્ટ - ૨૦૨૫ માં વિવેક તેની માતાને લઇને આવ્યો હતો અને હવે ઝઘડો નહી ં કરે તેવું કહી મારી દીકરીને તેડી ગયો હતો. પરંતુ, તેના પતિના ત્રાસના કારણે તેને આપઘાત કરી લીધો હતો.

