Gujarat

સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

By GS TEAM
6 Sep 20252 mins read
સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

પતિ-પત્ની ઔર વોના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે

પત્ની અને સાળાએ સ્ત્રી અંગે પૂછપરછ કરતા પતિ અને અન્ય ત્રણ સ્ત્રીઓએ હુમલો કરી દેતા ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર એકમાં આવેલા તળાવની પાળે અન્ય સ્ત્રી સાથે બેઠેલા પતિને પત્ની અને તેના ભાઈ તેમજ કાકાએ રંગે હાથ ઝડપી લીધો હતો. જેના પગલે આ સ્ત્રી અંગે પૂછપરછ કરતા તેમની ઉપર પતિ અને અન્ય ત્રણ મહિલાઓએ હુમલો કર્યો હોવા અંગેની ફરિયાદ સેક્ટર-૭ પોલીસ મથકમાં નોંધાવવા પામી છે.

સમાજમાં હાલ પતિ પત્ની ઔર વોની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડામાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા દસ મહિનાથી તે તેના બે બાળકો સાથે પિતાના ઘરે રહી છે. પતિ સાથે મનમેળ નહીં હોવાથી તે પિયરમાં રહેવા માટે આવી ગઈ છે ત્યારે ગઈકાલે આ યુવતી તેના ભાઈ અને કાકા સાથે કારમાં પસાર થઈ રહી હતી તે દરમિયાન તેના પતિની કાર સેક્ટર-૧ના તળાવ પાસે જોઈ હતી. જેના પગલે તેમણે કાર ઉભી રાખી દીધી હતી અને તળાવમાં તપાસ કરતા તેનો પતિ અન્ય મહિલા સાથે બગીચાની પાળી ઉપર બેઠો હોવાનો જણાયું હતું. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આ મહિલા સંદર્ભે પૂછપરછ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને માર મારવા લાગ્યો હતો. જેના પગલે ભાઈ અને કાકા પણ વચ્ચે પડયા હતા તો તેમની ઉપર પણ હુમલો કરી દીધો હતો. પતિની સાથે બેઠેલી મહિલા અને અન્ય બે મહિલાઓએ પણ તેમની ઉપર હુમલો કરી દીધો હતો. તેમણે પોલીસને બોલાવી હતી પરંતુ પોલીસ આવે તે પહેલા જ તેઓ ત્યાંથી નાસી છૂટયા હતા. જેથી આ ઘટના સંદર્ભે હાલ પત્નીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા પતિ અને અન્ય ત્રણ મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.