પરસ્ત્રી સાથે 'અફેયર' હોવાની શંકા કરનાર પત્નીની પતિના હાથે હત્યા
રાજકોટ નજીકનાં આણંદપર બાધી ગામની ઘટના : કુહાડાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પતિ ભાગી જવાને બદલે પત્નીની લાશ પાસે બેઠો રહ્યો
રાજકોટ, : રાજકોટ નજીકનાં આણંદપર બાધી ગામે કમલીબાઈ ઉર્ફ કમલેશબાઇ (40)ની ખુદ તેનાં પતિ રામચરણ કૈલાશ સેહરિયા (41)એ કુહાડાનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. કમલીબાઈને તેનાં પતિને વાડીમાં રહેતી મહિલા સાથે 'અફેયર' હોવાની શંકા હતી. બસ આ કારણથી બંને વચ્ચે ઝઘડો થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.
હત્યા બાદ આરોપી રામચરણ ભાગી જવાને બદલે પત્નીની લાશ પાસે બેઠો રહ્યો હતો. જયાંથી કુવાડવા રોડ પોલીસે તેની અટકાયત કરી હતી.
બંને મૂળ રાજસ્થાનનાં બારાન જિલ્લાનાં વતની છે. છેલ્લા દોઢેક વર્ષથી આણંદપર વાધી ગામે ભરતભાઈ વાઢેર (૪૧)ની વાડી વાવતા હતાં. છેલ્લા દોઢેક માસથી મધ્યપ્રદેશનો બહાદુર રામદયાલ સેહરિયા પણ તેની પત્ની પ્રેમબાઈ સાથે આ જ વાડી વાવવા આવ્યો હતો.
ગઈકાલે રાત્રે કમલીબાઈ અને તેનાં પતિ રામચરણ વચ્ચે ઝગડો થયો હતો. જેથી સાથે વાડી વાવતો બહાદૂર પત્ની સાથે ગામમાં રહેતા વાડી માલિક ભરતભાઈનાં ઘરે દોડી ગયો હતો અને તેને ઝઘડા અંગે વાત કરી હતી.
ભરતભાઈ મજુર બહાદુર અને તેની પત્નીને પોતાનાં બાઈક પાછળ બેસાડી ટ્રીપલ સવારીમાં પોતાની વાડીએ દોડી ગયા હતાં. તે વખતે મકાન કમ ઓરડીમાં કોઈ હાજર ન હતું. આ વખતે બહાદુર તેની પત્ની સાથે જમવા જતો રહ્યો હતો. જમીને હાથ બત્તી લઈને આવ્યો હતો અને વાડીમાં તપાસ કરતો હતો તે વખતે કમલીબાઈ અને તેનો પતિ રામચરણ જોવા મળ્યા હતાં.
કમલીબાઈ લોહીથી લથબથ હાલતમાં હતી, જ્યારે તેનો પતિ રામચરણ તેની બાજુમાં ગુમસુમ બેઠો હતો. તત્કાળ 108ને જાણ કરાતાં તેનાં તબીબે કમલીબાઈને મૃત જાહેર કરી હતી. જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનાં પીઆઈ રજયા અને રાઈટર અજીતભાઈ લોખીલ સ્થળ પર પહોંચ્યા હતાં અને વાડી માલિક ભરતભાઈની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી રામચરણની અટકાયત કરી હતી. તેણે પત્ની કમલીબાઈને મોઢા પર અને કમરથી નીચેનાં ભાગે કુહાડાના 3 ઘા ઝીંકી પતાવી દીધી હતી.