જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ

Jamnagar Crime : જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. જે હત્યા નીપજાવનાર પત્ની અને સાળાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર કેજે છેલ્લા કેટલાક દિવસથી લાપતા બન્યો હતો, અને તેની પત્ની રાધાબેન તેમજ તાજેતરમાં જ તેમની સાથે કામ કરવા માટે આવેલો રાધાબેનનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે કે જે બંનેએ સોહમના માથા પર ધોકો ફટકારી હત્યા નિપજાવી મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધો હતો, અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ વાડીના કુવામાથી દુર્ગંધ આવતાં સમગ્ર પ્રકરણ જાહેર થયું હતું, અને પોલીસે મૃતદેહને બહાર કઢાવ્યા બાદ પોલીસ દ્વારા સોહમની પત્ની રાધાબેન ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાની કબુલાત કરી લીધી હતી, અને ભાઈ બહેન બંનેએ ભેગા મળીને હત્યા કર્યાનું સામે આવ્યું હતું. દરમિયાન પોલીસ દ્વારા પત્ની રાધાબેન અને મૃતકના સાળા પતલસિંહની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી હત્યામાં વપરાયેલો ધોકો વગેરે કબજે કરી લેવાયા છે. બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે પોલીસે અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર સીધા છે, તેની ઘનિષ્ઠ પૂછપરછ જવાઇ રહી છે. બનેવી રાતે મૃતક પોતાની આગલા ઘરની પુત્રીને દારૂના નશામાં અડપલા કરી હેરાન પરેશાન કરી રહ્યો હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે ભાઈ બહેનને આ કૃત્ય કર્યું હોવાની કબુલાત આપી છે.

