સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ
દહેજ મુદ્દે ત્રાસ આપી છૂટાછેડા માટે દબાણ કરતા હોવાની ફરિયાદ કરી

વડોદરાની ૩૨ વર્ષની પરિણીતાએ દહેજ માટે ત્રાસ આપવાના તેમજ છૂટાછેડા માટે દબાણ કરવાના આક્ષેપો સાથે પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો સામે નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
મૂળ ગીર સોમનાથની અને હાલ વડોદરામાં રહેતી મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું ક, વર્ષ ૨૦૨૦માં મારા લગ્નસમાજના રિવાજ મુજબ દુષ્યંત સુરેશભાઈ ચાંદેગરા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ દુષ્યંત, સાસુ ભાવિશા અને સસરા સુરેશ ચાંદેગરા (બંને રહે - પોરબંદર) તું પિયરમાંથી કઈ લાવી નથી કહી સતત પરેશાન કરતા હતા. જેઠ અનિરુદ્ધ ચાંદેગરા (રહે – પુણે) અવારનવાર ઝઘડો કરી મહેણાં ટોણાં મારતા હતા. તેથી મેં નોકરી શરૂ કરી હતી, પરંતુ પતિએ મારા ખાતામાંથી રૂ. ૫ લાખ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધાં, જ્યારે મારા ડિમેટ ખાતામાંથી રૂ. ૪,૧૯, ૩૮૨ સાસુના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા.
રાત્રે અમે પતિ-પત્ની બેડરૂમમાં સુતા હોય ત્યારે સાસુ આવી બેડ પર પતિ-પત્ની વચ્ચે સૂઈ જતી હતી. સતત ત્રાસને કારણે મેં ગર્ભવતી થતાં મિસકેરેજ થયું હતું. દુબઈનોકરી કરતા પતિએ મને સાથે લઈ જવાનો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ સસરા મને પિયરમાં મૂકી ગયા બાદ પતિએ છૂટાછેડાની માગ કરી હતી.

