વડોદરાનો ચોંકાવનારો કેસઃ સંતાન નહીં થતું હોવાથી સસરા-નણદોઈએ બળાત્કાર કર્યાનો મહિલાનો આરોપ
Married woman raped by father-in-law: વડોદરા નજીક બાપોદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરીણિતાએ સસરા અને નણદોઈ સામે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા તથા ઘટના અંગે કોઈને જાણ ન કરવા ધમકી અંગે પતિ વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, બાપોદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા ઘરકામ કરે છે. સમાજના રીતરિવાજ મુજબ તેમના લગ્ન ચાટર્ડ એકાઉન્ટન્ટ દીપેન પટેલ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને કોઈ સંતાન થતું ન હતું.
આ મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, મને કોઈ સંતાન નહીં થતું હોવાથી જુલાઈ 2024માં મારા સસરા પ્રકાશભાઈએ બેડરૂમનો દરવાજો બંધ કરી મરજી વિરુદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ છ મહિના અગાઉ ઉતરાયણ પર્વે નણદોઈ અમરભાઈ અગાશી પર હોય અને હું ઘરે એકલી હોવાથી એકલતાનો લાભ ઉઠાવી તેઓએ પણ મારી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પતિને જાણ કરતા તેઓએ મને ધમકી આપી હતી કે, કોઈને કહીશ તો અંગતપળોના ફોટો-વીડિયો વાઇરલ કરી દઈશ.
નોંધનીય છે કે, આ મહિલાએ છ મહિના અગાઉ પણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. પોલીસે પીડિતાની મેડિકલ પ્રક્રિયા હાથ ધરી સાક્ષીઓના નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.