Get The App

M.S યુનિવર્સિટી વિસ્તારમાંથી પીળા પટ્ટામાં પાર્ક દ્વિચક્રી વાહનો કેમ ઉઠાવ્યા? : વિદ્યાર્થીઓનો હોબાળો

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
M.S યુનિવર્સિટી વિસ્તારમાંથી પીળા પટ્ટામાં પાર્ક દ્વિચક્રી વાહનો કેમ ઉઠાવ્યા? : વિદ્યાર્થીઓનો હોબાળો 1 - image

Vadodara Traffic Police : વડોદરા સયાજીગંજ, એમ.એસ. યુનિવર્સિટી વિસ્તારમાં વિદ્યાર્થીઓના પાર્ક દ્વિચક્રી વાહનો ટોઈંગ કરીને ટ્રાફિક પોલીસ મથક સયાજીગંજ ખાતે લઈ આવતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ સયાજીગંજ ટ્રાફિક પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાર્કિંગના પીળા પટ્ટા બહાર પાર્ક કરાયેલા દ્વિચક્રી વાહનો ટ્રાફિક પોલીસ શાખાના ભાડૂતી વાહનોમાં કોન્ટ્રાક્ટના માણસો દ્વારા ટોઈંગ કરીને નજીકના વિવિધ સ્પોટ પર લઈ જવામાં આવે છે. જ્યારે વાહન ચાલકને ખબર પડે તો રસ્તામાં ટોઈંગ વાહનને રોકી ટ્રાફિક પોલીસને નિયત દંડ ચૂકવીને વાહન ચાલકો પાવતી લઈને પોતાનું વાહન છોડાવી લેતા હોય છે. જ્યારે બીજી બાજુ સયાજીગંજ એમએસ યુનિવર્સિટી વિસ્તારમાં વિદ્યાર્થીઓએ પાર્ક કરેલા દ્વિચક્રી વાહનો પીળા પટ્ટાની બહાર હોવાથી ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટોઈંગ કરીને સયાજીગંજ ટ્રાફિક પોલીસ મથકે લઈ જવાયા હતા. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ ટ્રાફિક પોલીસ સમક્ષ જાતજાતના આક્ષેપો કરતા રોષે ભરાયા હતા. 

વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે ટોઈંગ કરાયેલા વાહનોને આડેધડ રીતે ખુલ્લી ટ્રકમાં ભરી દેવાતા વાહનને નુકસાન થાય તો જવાબદાર કોણ, તથા પીળા પટ્ટાની અંદર વાહનો પાર્ક હોવા છતાં તમે કેમ ઉઠાવ્યા અને રોડ રસ્તા વચ્ચે ટોઈંગ કરેલા વાહનો ભરેલ  ભાડૂતી પોલીસ વાન કેમ ઉભી રાખો છો અને મન ફાવે તેવી દંડનીય કાર્યવાહી કરીને પાવતી આપ્યા વિના ચાલકોને તેમના વાહનો આપી દેવાય છે તેવા આક્ષેપો સાથે ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ પરના પોલીસ કર્મીઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. પરંતુ ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કોઈ મચક નહીં અપાતા 8 થી 10 વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓનું ટોળું ચુપકીદી સેવી રવાના થઈ ગયું હતું.