રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે ? ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનનો સવાલ ; અસહકાર આંદોલનની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : રાજ્યમાં ઓટોરિક્ષા ભાડા મુદ્દે ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો છે. ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયને રજૂઆત કરી જણાવ્યું છે કે, રાજ્યમાં સ્કૂલ રીક્ષા, સ્કૂલ વાન, બાઈક, ટેક્સી, બસ, લક્ઝરી, ટ્રક, એમ્બ્યુલન્સ, વકીલ, ડોક્ટર, દુધવાળા, ગેસવાળા, બિલ્ડરો તથા કપડાં વેચનાર સહિત વિવિધ સેવાઓ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાનું મહેનતાણું જાતે નક્કી કરે છે, તો માત્ર રીક્ષાના ભાડાં જ સરકાર કેમ નક્કી કરે તેવો સવાલ ઉભો થયો છે.
યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટની કલમ-67 મુજબ પરમિટ ધરાવતા એટલે કે પીળી નંબર પ્લેટવાળા તમામ વાહનોના ભાડાં સરકાર દ્વારા નક્કી થવા જોઈએ. જોકે, વર્ષોથી આ કાયદાનો અમલ માત્ર રીક્ષા ચાલકો ઉપર જ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી તેને અન્યાયપૂર્ણ ગણાવ્યો હતો.
યુનિયનનું કહેવું છે કે, સરકારની આ નીતિ ભારતીય બંધારણના આર્ટિકલ-14 એટલે કે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે રીક્ષા ચાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક વખતે સરકાર પાસે ભાડાં વધારવાની માંગણી કરવી પડે છે, જે કાયમી ઉકેલ નથી.
રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે, “સરકાર આજે ભાડું વધારી આપે અને બીજા જ દિવસે ફરી સીએનજીના ભાવ વધી જાય તો શું ફરી સરકાર પાસે ભીખ માંગવી પડે ? અમને અમારો અધિકાર અને સ્વતંત્રતા મળવી જોઈએ.”
યુનિયને વધતી મોંઘવારી અને ઈંધણના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા આપવાની માંગ કરી છે. સાથે જ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન શરૂ કરવાની દિશામાં આહ્વાન પણ કરવામાં આવ્યું છે.









