Gujarat

'તું મને બાપુ કહીને કેમ બોલાવતો નથી' કહી યુવાન ઉપર હુમલો

By GS TEAM
7 Jul 20252 mins read
'તું મને બાપુ કહીને કેમ બોલાવતો નથી' કહી યુવાન ઉપર હુમલો

દહેગામ તાલુકાના હરસોલી ગામમાં

વચ્ચે પડેલા કાકાને પણ ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો ઃ પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  દહેગામ તાલુકાના હરસોલી ગામમાં તું મને બાપુ કહીને તેમ બોલાવતો નથી તેમ કહીને ચાર શખ્સો દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો હતો અને વચ્ચે પડેલા તેના કાકાને પણ માર્યા હતા. જે ઘટનાને પગલે દહેગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હરસોલી ગામમાં રહેતા વિષ્ણુભાઈ લક્ષ્મણભાઈ રાવળ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત શનિવારના રોજ સાંજના સમયે તેઓ ગામમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે તેમણે પોતાના નાના ભાઈ લાલાભાઈના ઘરે કેટલાક માણસોને ભેગા થયેલા જોયા હતા. આ લોકો તેમના ભત્રીજા શૈશવને ગાળો આપી રહ્યા હતા. જેથી તેઓ ત્યાં પહોંચે ત્યારે આ શખ્સો જીવાજીની મુવાડીના સિધ્ધરાજ વિષ્ણુસિંહ ચૌહાણ, વિવેક વિષ્ણુસિંહ ચૌહાણ, યુવરાજ જગતસિંહ ચૌહાણ અને સાહિલ નટવરસિંહ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. સિધ્ધરાજે શૈશવને ધતું મને બાપુ કહીને કેમ બોલાવતો નથી?ધ તેમ કહીને ઝઘડો શરૃ કર્યો હતો. ત્યારબાદ વિવેક અને યુવરાજ લાકડાના ડંડા વડે શૈશવને હાથ અને પગ પર માર માર્યો હતો. સિધ્ધરાજ અને સાહિલે પણ શૈશવને માર માર્યો હતો. જ્યારે વિષ્ણુભાઈ છોડાવવા વચ્ચે પડયા ત્યારે સિધ્ધરાજે તેમને કપાળના ભાગે કડું માર્યું હતું. જેથી તેમને લોહી નીકળવા લાગ્યું હતું. સાહિલે પણ શૈશવને કપાળના ભાગે કડું માર્યું હતું. તો ઝઘડાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા અને ધમકી આપી હતી કે જો શૈશવ ફરીથી તેમના હાથમાં આવશે તો તેને જાનથી મારી નાખશે. બંને ઘાયલોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દહેગામ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેમની ફરિયાદના આધારે દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યો છે.