VIDEO: નર્મદામાં PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે દેવમોગરા ધામનું શું છે મહત્ત્વ, દેખાવમાં નેપાળના પશુપતિનાથ જેવું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

DevMogara Dham In Narmada: ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં, સાતપુડાની ગિરિમાળાઓની હરિયાળી ગોદમાં એક એવું પૌરાણિક ધામ આવેલું છે, જે કરોડો આદિજાતિ સમાજના લોકોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. એ છે યાહા મોગી માતા દેવમોગરા ધામ. કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન આ ધામનો મહિમા અનેરો છે અને તેનો ભવ્ય ઇતિહાસ દરેક ભક્તને અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે.
મંદિરનો પૌરાણિક ઇતિહાસ: 'કણી-કંસરી' માતાની અન્નપૂર્ણા ગાથા
દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) સ્વયં બિરાજમાન છે. મંદિરનું બાહ્ય સ્વરૂપ નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર જેવું ભવ્ય દેખાય છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર માનવજાત અને પશુ-પક્ષીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. આવા સંકટના સમયે, પ્રજા પાલક ગોર્યા કોઠારએ અન્નનું વિતરણ શરુ કર્યું. જોકે, સમય જતાં તેમના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા.

તે દિવસથી અન્ન ભંડારો ક્યારેય ખૂટ્યા નથી
આ કપરા સમયે માતાજીની પાલક પુત્રી, યાહા પાંડોરીએ દયા ભાવથી કણી-કંસરી(અન્નનું સ્વરૂપ)નું રૂપ ધારણ કર્યું અને પોતે અન્ન વિતરણનું કાર્ય સંભાળી લીધું. કહેવાય છે કે તે દિવસથી આજ સુધી માતાજીના આ અન્ન ભંડારો ક્યારેય ખૂટ્યા નથી. આદિ-અનાદિ કાળથી માતાજી સમગ્ર માનવજાત માટે અન્નપૂર્ણા બનીને બિરાજમાન છે. અહીં આવનાર દરેક ભક્તને તેમના દુઃખ દૂર થવાની અને કલ્યાણની અનુભૂતિ થાય છે.

ચાર રાજ્યોના આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર
આ પવિત્ર હેલાદાબ(પવિત્ર સ્થાન)માં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં આદિજાતિ સમુદાયના લાખો લોકો યાહામોગી પાંડોરીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે. ભક્તો દૂર-દૂરથી પોતાની સમસ્યાઓ અને દુઃખોના નિવારણ માટે આવે છે અને માન્યતા છે કે માતાજીના ચરણોમાં રડતો આવનાર વ્યક્તિ હસતાં હસતાં પાછો ફરે છે.
આ ધામની એક વિશેષતા એ છે કે અહીં એક જ મંદિરમાં ડાબી બાજુ શ્યામવર્ણી મહાકાલી માતાની મૂર્તિ પણ બિરાજમાન છે, જેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવતો ભવ્ય મેળો
દેવમોગરા ધામ ખાતે દર વર્ષે મહા વદ અમાસ અને મહાશિવરાત્રિના આગલા દિવસથી સળંગ પાંચ દિવસ સુધી નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો ભરાય છે. આ મેળો આદિવાસી લોકસંસ્કૃતિના અદ્ભુત દર્શન કરાવે છે, જ્યાં લાખો ભક્તોની ભીડ જામે છે.
ગઢ યાત્રા:
મહાશિવરાત્રિ પર રાજા પાંઠા-વિનાદેવના સ્થાનકથી એક ભવ્ય ગઢ યાત્રા યોજાય છે. પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે માતાજીને કુદરતી ઝરણામાં સ્નાન કરાવવામાં આવે છે.
હવામાનનો વરતારો
પૂજા કરીને આગામી વર્ષ માટે ખેતીવાડી, વરસાદ અને હવામાનનો (હોલકો ઠોકીને) વરતારો લેવાની અનોખી પરંપરા પણ અહીં પ્રચલિત છે, જેના આધારે હજારો શ્રદ્ધાળુઓ પોતાની ખેતીનું આયોજન કરે છે.
કાકળનાં વૃક્ષનું રહસ્ય
મેળા દરમિયાન માતાના આંગણામાં આવેલ કાકળનાં વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો ખીલી ઊઠે છે. સવારે ભક્તો તેના દર્શન કરી, જે દિશામાં સૌથી વધુ ફૂલો હોય, તે દિશામાં વર્ષ દરમિયાન ખેતી સારી થવાનું અનુમાન લગાવે છે.
શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક
દેવમોગરા ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ આદિજાતિ સમુદાયની અનોખી પરંપરાઓનું કેન્દ્ર છે. હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન ઘેરીયાઓ દ્વારા થતું નવ રસનું નૃત્ય અને હોબ યાત્રા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આદિજાતિ સમુદાય સવા મહિનાના વ્રત-ઉપાસના બાદ રંગબેરંગી વસ્ત્રો અને ઘરેણાં સજી, માથા પર વાંસની ટોપલીમાં નવો પાક મૂકીને હોબ યાત્રા કાઢે છે. તેઓ યાહા પાંડોરી માતાના ચરણોમાં નવા ધાન્યનું સમર્પણ કર્યા પછી જ તેનો ઉપયોગ કરે છે.
જો તમે કુદરતી સૌંદર્ય અને પૌરાણિક આસ્થાના અદ્ભુત સંગમનો અનુભવ કરવા માંગતા હો, તો એકવાર ચોક્કસપણે સાતપુડાની ગિરિમાળાઓમાં આવેલા આ યાહા મોગી માતા દેવમોગરા ધામની મુલાકાત લો. માતાજીના આશીર્વાદ અને આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક તમને એક અવિસ્મરણીય અનુભવ આપશે.
કેવી રીતે પહોંચશો દેવમોગરા ધામ?
આ ધામ રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. તમે હવાઈ માર્ગ, ટ્રેન માર્ગ અથવા સડક માર્ગે અહીં પહોંચી શકો છો.
વિમાન દ્વારા: દેવમોગરા ધામથી સૌથી નજીકનું ઍરપોર્ટ વડોદરા અથવા સુરત છે. વડોદરા લગભગ 140થી 150 કિલોમીટરનું અંતર છે. વડોદરા ઍરપોર્ટથી તમે ટેક્સી, પ્રાઇવેટ કાર અથવા બસ દ્વારા રાજપીપળા થઈને દેવમોગરા ધામ (સાગબારા) પહોંચી શકો છો.
બીજો વિકલ્પ છે સુરત ઍરપોર્ટ, સુરતથી દેવમોગરાનું અંતર પણ લગભગ 140 કિલોમીટર જેટલું છે.
ટ્રેન દ્વારા: નજીકનું રેલવે સ્ટેશન વડોદરા જંકશન છે. ત્યાંથી દેવમોગરાનું અંતર લગભગ 140-145 કિલોમીટર દૂર છે. વડોદરા દેશના મોટા શહેરો સાથે ટ્રેન માર્ગે જોડાયેલું છે. સ્ટેશન પરથી તમને રાજપીપળા અને ત્યાંથી સાગબારા તરફ જવા માટે બસ અથવા ટેક્સીની સુવિધા મળી રહેશે. આ સાથે તમે ભરૂચ રેલવે સ્ટેશન સુધી પણ આવી શકો છો અને ત્યાંથી રોડ માર્ગે દેવમોગરા તરફનો પ્રવાસ કરી શકો છો.
સડક માર્ગ દ્વારા: રોડ માર્ગે દેવમોગરા ધામ પહોંચવું સૌથી અનુકૂળ રહે છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની બસો રાજપીપળા થઈને સાગબારા સુધી દોડે છે. સાગબારા તાલુકામાં જ દેવમોગરા આવેલું છે. મેળા દરમિયાન ખાસ બસ સેવાઓ પણ ઉપલબ્ધ હોય છે.
પ્રાઇવેટ વાહન/ટેક્સી: જો તમે વડોદરા, સુરત, કે રાજપીપળાથી ટેક્સી કે પ્રાઇવેટ વાહન લો છો, તો સડક માર્ગે સીધા દેવમોગરા ધામ પહોંચી શકાય છે. રાજપીપળા (જિલ્લા મથક) આશરે 45-40 કિલોમીટર દૂર છે. નજીકનું તાલુકા મથક સાગબારા છે.
મુલાકાત લેવા માટેના મુખ્ય સૂચનો
દેવમોગરા ધામની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો(ઑક્ટોબરથી માર્ચ) છે, કારણ કે આ સમયે વાતાવરણ ખુશનુમા હોય છે. જો તમને આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત અનુભવ કરવો હોય, તો મહાશિવરાત્રિના સમયગાળા દરમિયાન યોજાતા 5-6 દિવસના મેળા દરમિયાન મુલાકાત લેવી.
દેવમોગરાની આસપાસના અન્ય સ્થળો
દેવમોગરાની આસપાસ તમે નિનાઈ ધોધ, ઝરવાણી ધોધ, અને કેવડિયા (સ્ટેચ્યુ ઑફ યુનિટી) જેવા અન્ય પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.









