Get The App

Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર 1 - image

Gujarat Cyclones Explainer: છેલ્લાં દસ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતોની તીવ્રતા તેમજ વિવિધ ભયાવહ સિસ્ટમનો વધારો નોંધાયો છે. અરબ સાગરમાં વધતું સપાટીનું તાપમાન અને બદલાતી હવામાન પદ્ધતિઓને કારણે તોફાનો વધુ શક્તિશાળી બની રહ્યા છે. વર્ષ 2019નું વાવાઝોડું 'વાયુ', 2021નું વિનાશક 'તાઉતે' અને 2023નું 'બિપરજોય' જેવા ચક્રવાતોએ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રહેણાંક, વીજ પુરવઠો, માછીમારી અને ખાસ કરીને ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. 

રાજ્યની આશરે 10 લાખ હેક્ટર જેટલી ખેતી અસરગ્રસ્ત હોવાનું પ્રાથમિક સર્વે

તોફાનો ઉપરાંત અચાનક બનતા ડીપ્રેશનો અને સિસ્ટમોનો પ્રભાવ પણ છેલ્લી કેટલીક સીઝનમાં વધ્યો છે, જેના કારણે માવઠા અને અતિભારે વરસાદની પરિસ્થિતિ વારંવાર ઊભી થઈ રહી છે. તાજેતરમાં જ આવેલા ભારે વરસાદથી રાજ્યની આશરે 10 લાખ હેક્ટર જેટલી ખેતી અસરગ્રસ્ત હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે. મગફળી, તુવેર, કપાસ અને શાકભાજી પાકને નુકસાન કેન્દ્ર સ્થાને છે. નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિનું તાત્કાલિક નહીં પરંતુ લાંબા ગાળાની આબોહવા - પરિવર્તન ચેતવણી છે.

ગુજરાતમાં આબોહવા પરિવર્તન ‘હવે કાયમી ખતરો’

હવામાનશાસ્ત્રીઓના મતે ‘આગામી દાયકાઓમાં અરબ સાગર વધુ ગરમ રહેશે, એટલે ચક્રવાતો હવે દુર્લભઘટના નહીં પણ નિયમિત મોસમી જોખમ ગણાશે. ગુજરાતે દરિયાકાંઠાના વિસ્તાર માટે લાંબાગાળાની સુરક્ષા યોજના અને ખેત પેદાશોમાં વૈવિધ્ય અપનાવવું મહત્ત્વપૂર્ણ છે.

ગુજરાતમાં આવતા વાવાઝોડા રોકાવાના નથી તે ફરીને ફરી આવતા રહેશે. આ ઉપરાંત સરકારે દરિયાકાંઠાના ગામો અને શહેરોના ડેવલપમેન્ટ અનુસાર આબોહવામાં આવેલા પરિવર્તનને ધ્યાને લઈને યોજના બનાવવાની તાતી જરૂર છે.

સરકારે ઉકેલ અને નીતિ સૂચક પગલાં લેવા પડશે

ડ્રોન સર્વે: સેટેલાઈટ કે ડ્રોન આધારિત પાકનો સર્વે કરી સહાયતા ચૂકવણીમાં નિષ્પક્ષતા અને ઝડપ લાવવી જોઈએ.

ખેડૂતો માટે મોસમી વીમા યોજનાઓ સુલભ બનાવવી: પાકના નુકસાનથી વળતર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ.

દરિયાકાંઠા પર ગ્રીન બફર/ મેન્ગ્રોવ પટ્ટાને પુનઃસ્થાપિત કરવો: તોફાની મોજાંનો સીધો પ્રભાવ ઘટે છે.

વિગતવાર હવામાન ચેતવણી નેટવર્ક: નાના તેમજ મોટા ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર સૂચનાઓ પહોંચે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી.

છેલ્લા 10 વર્ષમાં ચક્રવાતોને કારણે ખેડૂતોને થયેલું નુકસાન

•જામનગર, પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને સુરત સહિતના જિલ્લાઓમાં ખેડૂતોની સિંચાઈ અને પાક ગંભીર રીતે બગડ્યો.

•તાજેતરમાં ઓક્ટોબર-નવેમ્બર 2025માં અનિયમિત માવઠા અને ડીપ્રેશન સિસ્ટમથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતી વિસ્તાર અસરગ્રસ્ત હોવાનું રાજ્યના પ્રાથમિક સર્વેમાં નોંધાયું છે.

•મગફળી, તુવેર, જીરું, કપાસ, ડુંગળી અને શાકભાજીના ઉત્પાદન પર સીધી અસર થઈ છે.

•પશુપાલન વિસ્તારોમાં ચારાની અછતનો પણ સામનો કર્યો છે.

અરબ સાગર વધતી તીવ્ર સિસ્ટમોના કારણો

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, અરેબિયન સમુદ્રનું સરેરાશ સપાટીનું તાપમાન છેલ્લા દસ વર્ષમાં 1 સેલ્સિયશથી વધુ વધ્યું છે. જેની ગંભીર અસરો જોવા મળે છે.

•સંગ્રહ વધુ ઊર્જા સંગ્રહ કરે છે જેથી વાવાઝોડા વધુ તીવ્ર બને છે.

•સમુદ્રી તોફાનોનું આવર્તન ધીમે ધીમે વધે છે અને  વિનાશકારી બને છે.

•તોફાનનો સમયગાળો લંબાય છે, અસરગ્રસ્ત વિસ્તાર વધે છે.

•વરસાદની પેટર્ન અનિયમિત અને અતિભારે બને છે.

છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને અસર કરનાર મુખ્ય ચક્રવાત

અશોબા 2015: સૌરાષ્ટ્ર ભારે પવન અને વરસાદ.

મેકુનુ 2018: કચ્છ દરિયાકિનારે ઊંચા મોજા,માછીમારો પર અસર. (આ ચક્રવાત અરબના દેશોમાં આવેલું, પરંતુ તેની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળ્યો)

વાયુ 2019: દેવભૂનિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ખેતપાકનો મોટું નુકસાન.

નિસર્ગા 2020: દ.ગુજરાતે દરિયાઈ પવનની ચેતવણી (મુખ્ય પ્રભાવ મહારાષ્ટ્ર તરફ)

તાઉતે 2021: સમગ્ર સૌરાષ્ટ-દક્ષણ ગુજરાત, ઘરો,વીજ પુરવઠો, ખેતી અને માછીમારી ક્ષેત્રે વ્યાપક નુકસાન.

બીપરજોય 2023: કચ્છ,જામનગર, દેવભૂનિ દ્વારકા, હજારો ઘર અને ખેતી વિસ્તારમાં અસર.