Gujarat

ટોક ઓફ ધ ટાઉન ; મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો વધશે કે ઘટશે?

By GS TEAM
27 Apr 20262 mins read
ટોક ઓફ ધ ટાઉન  ; મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો વધશે કે ઘટશે?

વડોદરા, તા.27 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે પાંચ વર્ષનું શાસન કોના હાથમાં આવશે તેનો નિર્ણય મંગળવારે બપોર સુધીમાં થઇ જશે. આ વખતની ચૂંટણીમાં ઠેરઠેર ખાડા, ઉમેદવારો પ્રત્ય મતદારોનો નિરુત્સાહ તેમજ મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ અને ઓછા મતદાનના કારણે ભાજપની બેઠકો કપાશે કે વધશે તે અંગે અનેક ચર્ચાઓ જાગી છે.

આ ચૂંટણીમાં જો કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાની જીત માટે દાવો કર્યો છે. આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેતા શહેરના મતદારોમાં ભાજપ અથવા કોંગ્રેસની બેઠકોનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૧૯૯૫થી ભાજપનું શાસન છે. 

છેલ્લા ૨૫ વર્ષથી કોર્પોરેશનમાં ભાજપ હોવાથી શહેરના વિકાસ માટેની દર ચૂંટણીમાં મોટી મોટી જાહેરાતોથી ભાજપ વિરોધી માહોલ અને એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર મતોમાં પરિવર્તિત થયા છે કે પછી મતદારોએ ફરી ભાજપમાં વિશ્વાસ મૂકીને પાંચ વર્ષની સત્તા સોંપી છે તેનો અંદાજો પ્રથમ બે કલાકની ગણતરીમાં જ આવી જાય તેવી શક્યતા છે.

આ વખતે ભાજપે અનેક વર્તમાન કોર્પોરેટરોને ટિકિટ આપી નથી તો કેટલાંક રિપિટ કર્યા છે અને મોટાભાગના નવા ઉમેદવારોને ટિકિટની લ્હાણી કરી છે જેથી ભાજપમાં આંતરિક વિખવાદ પણ થયો હતો. કોંગ્રેસે પણ અનેક વર્તમાન કોર્પોરેટરોને ટિકિટ આપી છે તેમજ અનેક નવા અને યુવા ચહેરા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. શહેરની અનેક બેઠકો પર ભાજપની પેનલો કોંગ્રેસ તોડશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. મતદારો પરિવર્તન લાવશે કે પૂનરાવર્તન તે મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જો કે લોકોને એવો વિશ્વાસ પણ છે કે ભાજપ સત્તા જાળવી રાખશે.