ચરોતરની 258 ગ્રામ પંચાયતના સરપંચ કોણ, આજે ફેંસલો

- ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 9 વાગ્યાથી ગણતરી શરૂ થશે
- આણંદની 144 સામાન્ય અને 15 પેટા ચૂંટણી માટે 8 સ્થળો જ્યારે ખેડાની 84 સામાન્ય અને 15 પેટા ચૂંટણી માટે 10 તાલુકા મથકે મતગણતરી
આણંદ જિલ્લાની ૧૪૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૭૮.૪૬ ટકા જેટલું રવિવારે મતદાન થયું હતું. મતદાન બાદ મતપેટીઓ તાલુકા મથકના સ્ટ્રોંગરૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં આજે બુધવારે સવારે ૯ કલાકથી જે તે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરાશે.આણંદ જિલ્લામાં આઠ સ્થળોએ મતગણતરી યોજાવાની છે. જેમાં ડી.એન. હાઈસ્કૂલ- આણંદ, ઉમરેઠ પાલિકા સંચાલિત પ્રાથમિક શાળા અને સંતારમ માધ્યમિક શાળા- ઉમરેઠ, જે.ડી. પટેલ હાઈસ્કૂલ- બોરસદ, આંકલાવ હાઈસ્કૂલ, ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ જૂનું બિલ્ડિંગ- પેટલાદ, એમ.એમ. હાઈસ્કૂલ- સોજીત્રા, માધવલાલ હાઈસ્કૂલ બેઠક રોડ- ખંભાત અને સાર્વજનિક હાઈસ્કૂલ- તારાપુરમાં મતગણતરી યોજાવાની છે. ત્યારે બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી ચૂંટણી પરિણામો બપોર બાદ આવવાનું શરૂ થશે. જેથી મોડી રાત સુધી મત ગણતરી ચાલુ રહે તેવી શક્યતા છે. મત ગણતરી સ્થળે પોલીસનો ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ઉભો કરી દેવાયો છે. પરિણામ વહેલા જાહેર થાય તે માટે તંત્રએ જરૂરી કવાયત હાથ ધરી હોવાનું જાણવા વળ્યું છે.
ખેડા જિલ્લાની ૮૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૭૯.૫૮ ટકા મતદાન થયું હતું. ત્યારે ત્યારે મતગણતરી બુધવારે ૯ વાગ્યાથી જિલ્લાના ૧૦ તાલુકા મથકો પર શરૂ થશે.
નડિયાદમાં સી.એમ.પટેલ હાઈસ્કૂલ, માતરમાં એન.સી.પરીખ હાઈસ્કૂલ અને ખેડામાં એચ.એન્ડ.ડી. પારેખ હાઈસ્કૂલ ખાતે મતગણતરી થશે. મહેમદાવાદમાં શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં સ્વયંપ્રભા શાહ હાઈસ્કૂલ અને કઠલાલમાં શેઠ એમ.આર. હાઈસ્કૂલમાં મતગણતરી હાથ ધરાશે. કપડવંજમાં શેઠ એમ.પી.હાઈસ્કૂલ, ઠાસરામાં ધી.જે.એમ.દેસાઈ હાઈસ્કૂલ, ગળતેશ્વરમાં ધી મોર્ડન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ-સેવાલીયા અને વસોમાં એ.જે.હાઈસ્કૂલના ચિત્ર વર્ગમાં મતગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં ૮૯૪ જેટલા ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે.
ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સવારે ૯થ૦૦ કલાકથી ૧૦ સ્થળોએ શરૂ થનારી આ મતગણતરીમાં ૭૦૦થી વધુ કર્મચારીઓ જોડાશે. લગભગ ૮૧ ટેબલો ગોઠવવામાં આવશે, જે તાલુકામાં ઓછી ગ્રામ પંચાયતો હશે ત્યાં ટેબલની સંખ્યા ઓછી હશે અને જ્યાં વધુ ગ્રામ પંચાયતો હશે ત્યાં વધુ ટેબલ ફાળવવામાં આવશે.








