Gujarat

ઓઘડનાથ ટૂક પર દિગંબર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવનાર ભવનાથનો વેપારી ઝબ્બે

By GS TEAM
23 Feb 20262 mins read
ઓઘડનાથ ટૂક પર દિગંબર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવનાર ભવનાથનો વેપારી ઝબ્બે

શા માટે ઝંડો ફરકાવ્યો એ સહિતના મુદ્દે પૂછપરછ : વૈમનસ્ય ફેલાવવા પ્રયાસ કરનાર વીડિયોમાં દેખાતા અન્ય શખ્સોની ઓળખ કરી પકડવા માટેની તજવીજ

જૂનાગઢ, : થોડા દિવસો પહેલાં અમુક લોકોએ ગિરનારના ઓઘડ શિખર પર જઈને દિગંબર જૈન સમાજનો ઝંડો ફરકાવ્યો હતો અને ત્યાં લખાણ કર્યું હતું. આ હરકત વૈમનસ્ય ફેલાય એવા હેતુથી કરવામાં આવી હોવાથી ફરિયાદ દાખલ થઈ હતી. આ પ્રકરણમાં પોલીસે ભવનાથમાં દુકાન ધરાવતા અને રહેતા એક શખ્સની ધરપકડ કરી છે અને વીડિયોમાં દેખાતા અન્યની ઓળખ કરી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ ગિરનારની ચોથી ટૂક ઓઘડ ટૂંક તરીકે ઓળખાય છે. નાથ સંપ્રદાય હસ્તકની આ જગ્યા રાજ્યરક્ષિત સ્મારક છે તેમ છતાં થોડા દિવસો પહેલા આ સ્થળે અમુક લોકોએ દિગંબર જૈન સમાજનો ઝંડો ફરકાવી ત્યાં લખાણ પણ કર્યું હતું. આ અંગેના વિડીયો-ફોટો વાયરલ થયા નાથજીના દલીચાના મહંત સોમનાથજી ગુરૂ રાજનાથજી સાધુએ ફરિયાદ કરતા ભવનાથ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે આજે ઓઘડ ટુંક પર દિગંબર જૈન સમાજનો ઝંડો ફરકાવનાર ભવનાથમાં રહેતા અને દુકાન ધરાવતા અનુરાગ નેમિચંદ જૈનની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે અનુરાગ જૈનની ધરપકડ કરવામાં આવી છે. ફોટો-વિડીયોમાં  સાથે કોણ હતા તેની ઓળખ કરી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારને પકડી કાર્યવાહી કરવામાં આવશે. હાલ અનુરાગ જૈને શા માટે આ કૃત્ય કર્યું, તેની પાછળ તેનો ઈરાદો શું હતો તે સહિતના મુદે પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં અન્યની ધરપકડ કરવામાં આવશે.