વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન થયું છે. જેથી પર્યટકો માટે વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. વડોદરા કોર્પોરેશનના ઝૂ વિભાગ દ્વારા તેના પ્રાણીઓના સંગ્રહમાં એક ખુબજ આકર્ષક પ્રજાતિનો ઉમેરો કરવામાં આવ્યો છે. બંગાળી વાઘની જ એક પ્રજાતિ એવા જાજરમાન સફેદ વાઘ હવે વડોદરાની શાન વધારશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીથી મંજૂરીના આધારે, પ્રદ્યુમન પાર્ક પ્રાણીસંગ્રહાલય (રાજકોટ) સાથેના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશી પક્ષીઓના બદલામાં સફેદ વાઘની એક જોડી સયાજીબાગ ખાતે લાવવામાં આવી છે.
વડોદરા પ્રાણીસંગ્રહાલયના અધિકારી પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, તારીખ 16/12/2025 ના રોજ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ સફેદ વાઘની જોડીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું છે. એક વાત ખાસ નોંધવાની કે, અંદાજીત ચાર દાયકા (40 વર્ષ) બાદ આ સુંદર પ્રજાતિનું વડોદરાના પ્રાણીસંગ્રહાલયમાં પુનરાગમન થયું છે, જે અમારા માટે ગૌરવની વાત છે. પાલિકાના તંત્ર દ્વારા આ ભવ્ય પ્રજાતિને વડોદરા લાવવા માટે અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો હતો. રાજકોટથી વડોદરા સુધી આ વાઘનું સ્થળાંતર સુરક્ષિત અને સ્વાસ્થ્યપ્રદ રીતે થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. વેટરનરી પ્રોટોકોલ અને CZA ના નિયમો અનુસાર, સફેદ વાઘને હાલમાં 'ક્વોરન્ટાઇન' (અલગ) રાખવામાં આવશે, જેથી તેઓ વડોદરાના નવા વાતાવરણમાં અનુકૂળ થઈ શકે. ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ થયા બાદ, આ સફેદ વાઘને જાહેર જનતાને જોવા માટે ખુલ્લા મુકવામાં આવશે, જે મુલાકાતીઓ માટે આ દુર્લભ પ્રજાતિને નિહાળવાનો એક અદભૂત અનુભવ બની રહેશે.








