ભુવાના સમારકામમાં વેઠ ઉતારતા ફરી ભુવો પડવાના એંધાણ
ઉપરથી રોડા છારું ઠાલવી દીધું, અંદરથી પોલું રહ્યું હોવાના આક્ષેપ

શહેરના અકોટા- મુજમહુડા માર્ગ પર ભુવો પડ્યા બાદ મ્યુ. કોર્પોરેશને સમારકામમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરે યોગ્ય કામગીરી કરવા ટકોર કરી હતી.
શહેરમાં વગર વરસાદે માર્ગ પર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે અકોટા- મુજમહુડા માર્ગ પર શિવાજી સર્કલ નજીક વઘુ એક ભુવો પડ્યો હતો. સતત લોકોની અવરજવરથી ધમધમતા માર્ગ પર અચાનક ભુવો પડવાથી વાહનચાલકો અટવાયા હતા. ઘટનાની જાણ થતા મ્યુ. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી રોડા છારું -વેટમિક્સ નાખી પુરાણ કરાયું હતું.
જો કે મ્યુ. કોર્પોરેશનની આ કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાજિક કાર્યકરનું કહેવું છે કે, ઉપરથી ૪ ફૂટ નજરે ચઢતો ભુવો અંદરથી અંદાજે ૫ ફૂટ ઊંડાઈ અને ૮ ફૂટ પહોળાઈ પફૂટ ધરાવતો હતો. રોડા છારું ભરેલું ડમ્પર ઠાલવી દઈ કામગીરીમાં વેઠ ઉતારી છે. પોલાણ રહેતા ટૂંક સમયમાં ફરી અહીં ભુવો પડવાની શકયતાને નકારી શકાય નહીં. શુભર
શહેરમાં અનેક સ્થળોએ ભુવાનું સમારકામ થયા પછી ગણતરીના દિવસોમાં ફરી તેજ સ્થળે ભુવા પડવાના અનેક કિસ્સા નોંધાયા છે, જેથી ભુવાના સમારકામમાં ચોકસાઈ દાખવવી જરુરી છે.

