Get The App

આજક- આંત્રોલી વચ્ચે જોખમી બ્રિજને તોડવા સમયે તેનો સ્લેબ ધડાકાભેર તુટયો

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
આજક- આંત્રોલી વચ્ચે જોખમી બ્રિજને તોડવા સમયે તેનો સ્લેબ ધડાકાભેર તુટયો 1 - image

હિટાચી મશીન સાથે લોકો નદીના પાણીમાં ખાબક્યા

હિટાચી મશીનનાં વજનના કારણે બ્રિજનો સ્લેબ ધરાશાયી, કલેક્ટર સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

જૂનાગઢ: માંગરોળ તાલુકાના આજક અને આંત્રોલી ગામ વચ્ચે બ્રિજ તોડવાની કામગીરી ચાલતી હતી તેવામાં બ્રિજના સ્લેબના ભાગ પર હિટાચી મશીન ચાલતું હતું. તે સમયે  હિટાચી મશીનના વજનથી અચાનક ધડાકાભેર સ્લેબ તુટી જતા મશીન સાથે લોકો નદીના પાણીમાં ખાબક્યા હતા. સદનસીબે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ ન હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કલેક્ટર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે ઘટના સ્થળે દોડી ગયો હતો.

આણંદ નજીકના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતમાં બ્રિજની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં અનેક બ્રિજ જોખમી અને જર્જરિત હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢ જીલ્લાના છ બ્રિજમાંથી અમુકમાં ભારે વાહનો અને અમુક સદંતર બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જીલ્લા પંચાયત હસ્તકના માંગરોળના આજક-આંત્રોલી રસ્તા પર આવેલો બ્રિજ જોખમી હોવાથી તેને તાત્કાલીક તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બ્રિજના સ્લેબના બે ગાળામાંથી એક ગાળા પર હિટાચી મશીન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક બ્રિજનો સ્લેબ ધડાકાભેર તુટી ગયો હતો. બ્રિજનો સ્લેબ તુટવાથી હિટાચી મશીન પાણીમાં ઘુસી ગયું હતું. આ સમગ્ર મામલે વહિવટી તંત્રની ટીમ તપાસ અર્થે સ્થળ પર દોડી ગઈ હતી અને કલેક્ટરે જણાવ્યું હતું કે, બ્રિજ નવો બનાવવાનો હોવાથી તેને તોડવામાં આવતો હતો. આ અંગેની આસપાસના સરપંચોને જાણ કરી રસ્તો બંધ કર્યો હતો. બ્રિજ તોડવાની કામગીરી ચાલતી હોવાથી સ્થાનિક લોકો તે જોવા માટે આવ્યા હતા. જે લોકો આવ્યા તેને અનેકવાર બ્રિજ પર આવવાની મનાઈ કરી હોવા છતાં આવ્યા હતા. બ્રિજ પર મશીન પસાર થઈ રહ્યું હતું ત્યારે તેનો સ્લેબ તુટી જતા મશીન અને લોકો પાણીમાં ઘુસી ગયા હતા. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. આ ઉપરાંત નદીમાં સામાન્ય એવું પાણી હોવાથી પાણીમાં ઘુસેલા બાળક સહિતના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્રના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, બ્રિજ તુટયો નથી પરંતુ તેને તોડવામાં આવતો હતો. હક્કિત એ છે કે, બ્રિજ તોડવા સમયે તુટી ગયો હતો. બ્રિજ તુટયો નથી તે દાવો તંત્રનો પોકળ સાબિત થયો છે. હિટાચી મશીનના વજનના કારણે બ્રિજનો સ્લેબ બેસી જતા સમગ્ર ઘટના બની હતી. 

સલામતી અંગે તંત્રની ઘોર બેદરકારી

બ્રિજ તોડવા સમયે કેટલી સાવચેતી રાખવાની હોય તેની તંત્રના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને સારી રીતે જાણ હોય છે છતાં તેની અમલવારી કરાવવામાં આવતી નથી. સ્થાનિક લોકોની બેદરકારી એ છે કે, બ્રિજ તોડવાની કામગીરી સમયે ત્યાં જવું ન જોઈએ પરંતુ તંત્રની જવાબદારી એ છે કે બ્રિજ તોડવાનું કામ ચાલતું હોય ત્યારે કોઈપણ લોકોને આસપાસમાં રહેવા દેવા ન જોઈએ. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બ્રિજનો સ્લેબ ધરાશાયી થશે તેવો કોઈ અંદાજ ન હતો જેના કારણે પુલ પર ચક્કરો લગાવી રહ્યા હતા. જો કોઈક દુર્ઘટના બની હોત તો તેના માટે કોણ જવાબદાર ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.