ડિવાઇડર પર ઝાડ કાપતા એક પોલ પડયો, બે નમી ગયા
એક ઇજાગ્રસ્ત : ફૂલઝાડ મેન્ટેન કરવાની કામગીરી કોર્પો.એ નોટિસ આપી રદ કરી
વડોદરા,વડોદરામાં શ્રેયસ સ્કૂલથી સુસેન ચાર રસ્તા સુધી રોડ ડિવાઇડર પરના ફૂલઝાડની કામગીરી કોર્પોરેશને પીપીપી ધોરણે સોંપી હતી. જેના અનુસંધાનમાં ડિવાઇડર પર કોનોકોપર્સ કાપતી વખતે નિષ્કાળજી દાખવતા કોર્પો.નો સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડી ગયો હતો, જેમાં એકને ઇજા થઇ હતી.
કોર્પો.ના વર્તુળોએ જણાવ્યું હતું કે જગદીશ ફરસાણ પ્રા.લિ.ને રોડ ડિવાઇડર પર ફૂલઝાડનું મેન્ટેનન્સ, કટિંગ, ગેપ ફિલિંગ, પાણી પીવડાવવું વગેરેની કામગીરી સોંપી હતી. જેમાં આજે કોર્પો.ની ગાર્ડન શાખાને જાણ કર્યા વિના આજે કામગીરી કરી તેમાં નિષ્કાળજી દરમિયાન એક પોલ પડી ગયો હતો. પોલના તાર ખેંચાતા બીજા બે નમી ગયા હતા. આ બનાવની જાણ થતા ગાર્ડન શાખા અને સ્ટ્રીટ લાઇટ વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું. પોલ પડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોનોકોપર્સ કાપવા સંદર્ભે ગાર્ડન શાખાની મંજૂરી લીધી ન હતી. બાદમાં કોર્પોરેશને ડિવાઇડર પર પોલ ઊભા કરી દીધા હતા અને પીપીપી ધોરણે જેને કામગીરી સોંપી છે તે રદ કરવા નોટિસ આપવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પર પહોંચેલા કોર્પો.ના શાસક પક્ષના દંડકે ડિવાઇડર પરથી તેના બોર્ડ હટાવી લેવા માગ કરી હતી.