વડોદરા, તા.12 મિત્રતા કર્યા બાદ મિત્રના જ વાહનો ચોરી કરી તેને વેચી દેવાની એમઓ ધરાવતા ભેજાબાજને જિલ્લા પોલીસે વાઘોડિયામાંથી ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા બસ સ્ટેશન પાસે એક શખ્સ ચોરીની ઇકો ગાડી સાથે શંકાસ્પદ હાલતમાં ઊભો છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફે તેને ઝડપી પાડી તેની પાસેની ઇકો ગાડીના કાગળો માંગતા ગલ્લાતલ્લા કરતો હતો જેથી ચોરીની ઇકો હોવાની આશંકા સાથે પોલીસે રાહુલ ઉર્ફે કીશુ પ્રભાત વસાવા (રહે.પેન્શનપુરા, ફતેગંજ, મૂળ કાયાવરોહણ)ની અટકાયત કરી હતી.
પોલીસે ઇકો ગાડીની તપાસ કરતાં તેની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ઇ ફરિયાદ નોંધાઇ હતી જો કે પોલીસે ફરિયાદ નોંધી ના હતી. પોલીસે રાહુલ ઉર્ફે કીશુ પાસેથી ઇકો તેમજ બે મોબાઇલ મળી કુલ રૃા.૭.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેનો ગુનાઇત રેકર્ડ ચેક કરતા તેની સામે વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત આણંદ, નડિયાદ અને ભરૃચ જિલ્લામાં પણ અડધો ડઝન ગુના નોંધાયા હોવાનું જણાયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિનું વાહન ચોરી કરવાનું હોય તે વ્યક્તિ સાથે તે મિત્રતા કેળવતો હતો અને બાદમાં ટાર્ગેટ કરેલું વાહન ચોરી કરતો હતો.


