Gujarat

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં

By GS TEAM
19 Mar 20262 mins read
LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં

દાળ ચણાના અભાવે મેનુ રફેદફેઃ પોષક આહારનાં સ્થાને રોજ પુલાવ : દૂર-દૂરનાં સેન્ટ્રલાઇઝ્ડ કિચનમાં સવારે રાંધેલું ભોજન પાંચેક હજાર કેન્દ્રો પર બાળકોને બપોરે મળે ત્યારે ટાઢુંબોળ હોય છે

રાજકોટ, : રાજ્યની 29,000 પ્રાથમિક શાળાના 42 લાખ જેટલા વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહ્ન ભોજનનું મેનુ રફેદફે થયું છે. મધ્યાહ્ન ભોજન કેન્દ્રોને રાંધણગેસ મળતો નહીં અટકે એવા દાવા કરતી રાજ્ય સરકાર તુવેરદાળ અને ચણા પૂરા પાડવામાં ઉણી ઉતરતાં રોજ પુલાવ પીરસવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં આજકાલ આવી પરિસ્થિતિ છે.

મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણમાં ખામી હોવાના લીધે આજે વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક નાસ્તા- ભોજન માટેના કેન્દ્રોમાં છેલ્લા 3 મહિનાથી ચણા અને તુવેરદાળનો જથ્થો નથી. ખાનગી શાળાની ફી નહીં ભરી શક્તા ગરીબ અને મધ્યમ વર્ગના અથવા ખેતમજૂરોના બાળકો આ યોજનાના લાભાર્થી હોય છે, જે દોઢ-બે કિલોમીટર દૂરથી શાળાએ આવતા હોય છે પરંતુ અહીં તુવેરદાળ અને ચણાના અભાવે ચણાનું શાક- દાળ ભાત- ખીચડી- દાળઢોકળી સહિતનાં નિયત મેનુને બદલે રોજ મોટેભાગે પુલાવ જ પીરસવામાં આવતાં બાળકો પોષણક્ષમ આહારથી વંચિત રહી જાય છે. જો કે કચેરીના પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે કઠોળ-દાળ કે ચણાનો જથ્થો ઉપલબ્ધ ન હોય તો જે કઠોળ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી નિયત થયેલી કેલરી-પ્રોટીન મુજબનું ભોજન બાળકોને આપવું, પરંતુ અહીં પ્રશ્ન એ છે કે અન્ય કઠોળ પણ કેન્દ્રોમાં ઉપલબ્ધ ન હોય તો બાળકોને શું જમાડવું.

થોડા વર્ષોથી આ યોજનામાં સેન્ટ્રલાઇઝ કિચનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જિલ્લા કે તાલુકા મથકે એક જગ્યાએ જ ભોજન અને નાસ્તો તૈયાર કરી ૨૭ હજાર પૈકી પાંચ હજાર જેટલાં કેન્દ્રો પર પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ભોજન તૈયાર થઇ ગામડાઓમાં જે-તે શાળાઓ સુધી પહોંચે ત્યાં તો ટાઢુંબોળ થઇ ગયું હોય છે. આવું કલાકો અગાઉ રાંધેલું ભોજન પોષણક્ષમ કઇ રીતે હોઈ શકે તેવાં પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ચણા- તુવેરદાળ નથી મોકલાવાયા 

રાજ્યના અનેક જિલ્લાઓમાં ત્રણ મહિનાથી ચણા અને તુવેરદાળ નથી મોકલાવ્યા જેમાં, ભાવનગર, ખેડા, અમરેલી, સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, તાપી, પાટણ, મહેસાણા, સુરત, ગાંધીનગર, રાજકોટ, મોરબી સામેલ છે.