14.94 લાખ ગયા ક્યાં, કોના આદેશે અટક્યું રસ્તાનું કામ?
- નડિયાદમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે બોર્ડ લાગ્યા
- પેટલાદ રોડથી સંતરામ ડેરીને જોડતા મુખ્ય માર્ગને રિસર્ફેસિંગ કર્યા વગર રૂપિયા પાસ થયાનો કોંગ્રેસનો આક્ષેપ
નડિયાદ શહેરમાં ભ્રષ્ટાચાર થયેલા જણાય તે સ્થળે શહેર કોંગ્રેસ દ્વારા બોર્ડ મારવાનું અભિયાન શરૂ કરાયું છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૯મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ઝલક રોડથી ડેરી રોડ સુધીના રસ્તા સહિત અન્ય રસ્તાઓ રિસરફેસિંગ કરવાના કામ શરૂ કરાયા બાદ આજદિન સુધી કામગીરી થઈ નથી. પેટલાદ રોડથી સંતરામ ડેરીને જોડતા મુખ્ય માર્ગને હજી સુધી રિસર્ફેસિંગ કરાયો નથી. રૂપિયા પણ આ બાબતે પાસ થઈ ગયા છે પણ ગયા ક્યાં જે બાબતે અગાઉ પાલિકામાં અને હાલની મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરાઈ હતી. પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી. ઉપરાંત વરસાદી પાણી નિકાલની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં લવાતા સ્થાનિકો પરેશાન થયા છે. ત્યારે આ બાબતની તંત્રની બેદરકારી દર્શાવતું પોસ્ટર મૂકીને વિરોધ કર્યો છે.
૧૪.૯૪ લાખ ગયા ક્યાં ?, કોના આદેશે અટક્યું રસ્તાનું કામ ?, ભક્તિના માર્ગે ભ્રષ્ટાચાર કોના ભાગે ગયા પ્રજાના પૈસા? તેવા બોર્ડ લગાવી રોડની મરામત કરવા માંગણી કરાઈ છે.