Get The App

આ સમસ્યાનું સમાધાન કયારે? ભુજ શહેરના સરપટનાકે ફરી ઉભરાઈ ગટર

Updated: Dec 13th, 2024

GS TEAM

Google News
Google News
આ સમસ્યાનું સમાધાન કયારે? ભુજ શહેરના સરપટનાકે ફરી ઉભરાઈ ગટર 1 - image

ભુજમાં ભુગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યા માથાના દુઃખાવા સમાન

નગરપાલિકા દ્વારા ગટર લાઈનોની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી ઠેર ઠેર આ સમસ્યા

ભુજ: ભુજ શહેરમાં અવારનવાર ભૂર્ગભ ગટરો ઉભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે એક જ વિસ્તારમાં વારંવાર ગટરો ઉભરાવા છતાં ત્યાં યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં અવારનવાર ગટર લાઈન ચોકઅપ થવાના કારણે ભૂગર્ભ ગટરના પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળવાની સમસ્યા જોવા મળે છે. 

ત્યારે, ફરી એક વખત સરપટ નાકા વિસ્તારમાં સર્કલ પાસે બે ત્રણ દિવસોથી ગટર ઉભરાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભુર્ગભ ગટરની મુખ્ય ચેમ્બરમાંથી બહાર આવીને જાહેર રસ્તાઓ પર રેલાઈ રહ્યા છે. જેના કારણે આસપાસના દુકાનદારો, ચા પાણીની હોટલો, રેસ્ટોરેન્ટ, ગેરેજ, નાના મોટા તમામ ધંધાર્થીઓ તેમજ આસપાસના રહીશોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે.

આ સ્થળ સરપટ નાકા ઉપર વારંવાર ગટરો ઉભરાવવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે. પરંતુ, નગરપાલિકા દ્વારા આ ગટર લાઈનોની યોગ્ય સાફ- સફાઈ કરવામાં આવતી ન હોવાના કારણે આ સ્થળ ઉપર ગટરો ઉભરાવવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. જે લોકો માટે માથાનો દુઃખાવા સમાન બની જવા પામેલ છે તેમજ સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગરપાલિકામાં ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો કાયમી નીવેડો આવતો નથી. રાહદારીઓ- લોકો અને વાહન ચાલકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. સ્થાનિકો કહે છે કે, આ સમસ્યાનું કાયમી સમાધાન કયારે આવશે?