વરસામેડીમાં બિહારના પરિચિત વ્યક્તિએ જ આચર્યું કૃત્ય
રૂ. 12 હજાર માંગતા સાંજે આપું છુ કહી બાળકનું અપહરણ કરી શખ્સ દિલ્હી ભાગી ગયો
ઘટના અંગે પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપની સામે આવેલી મથુરા કોલોનીમાં ૨૪ વષય નવીશા અસ્લમ અન્સારી છ માસ અગાઉ તેના પોણા ત્રણ વર્ષના પુત્ર અને માતા સાથે રહેવા આવી હતી. નવીશા બિહારના મધુબનીના લોફા બિહારની વતની છે. નવીશાની માતા વેલસ્પનમાં નોકરી કરે છે, નવીશાનો પતિ બિહાર રહે છે. વેલસ્પનમાં નોકરી કરતો પ્રવિણકુમાર શાહુ કે જે લોફા બિહારનો વતની છે તે ફરિયાદી અને તેની માતાને ઓળખે છે અને તેણે જ વેલસ્પનમાં નોકરીએ રખાવવાના નામે મા દીકરીને અહીં બોલાવ્યાં હતા. પ્રવિણ નવીશાની બાજુની સોસાયટી સાગર રેસિડેન્સીમાં એકલો રહે છે.
એકલો રહેતા પ્રવિણ મહિને ચાર હજાર રૂપિયા ચૂકવીને નવીશાના ઘેર જમવા આવતો હતો. શરૂઆતના બે મહિના તેણે સમયસર પૈસા ચૂકવ્યાં હતા પરંતુ છેલ્લા ત્રણ માસથી રૂપિયા ચૂકવતો નહતો અને બાર હજાર રૂપિયા ફરિયાદી માંગવા લાગ્યા હતા. દરમિયાન રવિવારે બપોરે બાર વાગ્યે પ્રવિણ ઘરે જમવા આવ્યો ત્યારે નવીશાએ તેને રૂપિયાની ચૂકવણી કરવા જણાવતાં તેણે રૂપિયા સાંજે આપી દેવાનો વાયદો કર્યો હતો. જેથી ફરિયાદી તેને ભોજન આપીને કપડાં ધોવા જતી રહી હતી. દરમિયાન, પ્રવિણ ફરિયાદીના પોણા ત્રણ વર્ષના દીકરાને રમાડતો રમાડતો પોતાની સાથે લઈને નાસી ગયો હતો. આરોપી પ્રવિણ દીકરાને લઈ ગયો હોવાની જાણ થતાં માતાએ તેને તરત ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉપાડયો નહોતો. ત્યારબાદ મા દીકરીએ પ્રવિણની સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ કરી પરંતુ પ્રવિણ અને પુત્રનો કોઈ પત્તો ન મળતાં અંજાર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં. અંજાર પોલીસના જણાવ્યા મુજબ આરોપી બાળકને લઈ દિલ્હી તરફ નાસી ગયો છે જેથી તેને પકડવા ટિમ દિલ્હી જવા રવાના થઈ હોવાનું પોલીસે જણાવ્યુ હતું.


