ગૌચર ખુલ્લું ન થતાં માલધારીએ કચેરીમાં જ ફિનાઈલ ગટગટાવ્યું
વિસાવદર તા.પં.માં અધિકારીઓની સામે જ આત્મવિલેપનનો પ્રયાસ : અગાઉથી ચીમકી આપી હોવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ હાજર હતા પણ તેમ છતાં અટકાવવામાં નિષ્ફળ : માલધારીઓમાં રોષ ભભૂક્યો
જૂનાગઢ, : વિસાવદરના કાલસારીનું ગૌચર ખુલ્લું કરાવવા માટે ચાલતા આંદોલનમાં અંતે માલધારીએ દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. અગાઉથી જ આત્મવિલોપનની ચીમકી આપી હોવાથી આજે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તો તહેનાત રાખવામાં આવ્યો હતો પરંતુ એ બધું જ જાણે નામમાત્રનું હોય તેમ તાલુકા પંચાયત કચેરીમાં જ અધિકારીઓની સામે ફિનાઈલ પી લેવામાં આવતાં માલધારીને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગત તા.7થી માલધારીઓએ કાલસારીનું ગૌચર ખુલ્લું કરાવવા માટે મામલતદાર કચેરી બહાર આમરણાંત ઉપવાસ શરૂકર્યા હતા. આંદોલનના થોડા દિવસ પોલીસે બળ પ્રયોગ કરી છાવણીને વિખી નાખી હોવાથી માલધારીઓએ તેમનું આંદોલન કાલસારીમાં ચાલુ રાખ્યું હતું. આંદોલનકારી માલધારીમાંથી જાગાભાઈ મેવાડા નામના વ્યક્તિએ થોડા દિવસ પહેલા ચીમકી આપી હતી કે, જો ગૌચર ખુલ્લું નહી થાય તો હું તા.ર૮ના આત્મવિલોપન કરીશ. જે અનુસંધાને પોલીસે તેને પકડી મામલતદાર સમક્ષ રજૂકર્યા હતા. જાગાભાઈએ જામીન લેવાનો ઈન્કાર કરતા તેમને છોડી મુક્યા હતા. ત્યારબાદ માલધારીઓએ મામલતદાર કચેરી બહાર આંદોલન ચાલુ રાખ્યું હતું. આજે જાગાભાઈ આત્મવિલોપન કરવાના હોવાથી સવારથી પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. ટીડીઓ, તલાટી સહિતનાઓને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બપોર બાદ માલધારીઓ તાલુકા પંચાયતની કચેરીમાં અધિકારીઓ સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા હતા તેવામાં અધિકારીઓ ગોળગોળ જવાબ આપી દબાણકર્તાઓને બચાવવાનો પ્રયત્ન કરતા હોવાના આક્ષેપ સાથે જાગાભાઈએ અધિકારીઓ અને માલધારીઓની હાજરીમાં જ ફિનાઈલ પી લેતા ભાગદોડ મચી ગઈ હતી. ફિનાઈલ પી લેનાર માલધારીને સારવાર માટે ખસેડયા જ્યારે અન્ય માલધારીઓએ ઉપવાસ આંદોલન શરૂરાખ્યું છે. વધુ કોઈ માલધારી આત્મવિલોપનનો પ્રયાસ ન કરે તે માટે આંદોલન છાવણીની ફરતે પોલીસના ધાડેધાડા ગોઠવી દેવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સ હાજર રાખી પણ ડ્રાઈવર જ નહોતો
માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ હોવા છતાં માલધારીએ દવા પીધા બાદ કેટલી વાર સુધી એમ્બ્યુલન્સના ડ્રાઈવર ન આવતા માલધારીઓ રોષે ભરાયા હતા અને તંત્રનો ઉધડો લીધો હતો. ત્યારબાદ દોડધામ થઈ જતા તાત્કાલિક એમ્બ્યુલન્સના ડ્રાઈવરને બોલાવવાની ફરજ પડી હતી.