Gujarat

સુરતમાં રસ્તા તુટવાના કારણ ક્યા? અને જવાબદાર કોણ ? ધારાસભ્યના સવાલ સામે અધિકારીઓ મૌન

By GS TEAM
9 Jul 20252 mins read
TukuTouch Logo
પાલિકાના અધિકારીઓ જવાબ આપે તો ધારાસભ્ય લોકોને જવાબ આપી શકે તેવું કહેવાયું પણ કોઈ જવાબ નહી : રસ્તા અંગે જો અધિકારીઓની જવાબદારી નક્કી થાય તો રસ્તા ઓછા તૂટે તેવી ચર્ચા

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં રસ્તા તુટવાના કારણ ક્યા? અને જવાબદાર કોણ ? ધારાસભ્યના સવાલ સામે અધિકારીઓ મૌન

Surat : સુરત શહેરમાં વરસાદ શરું થતાની સાથે જ રસ્તાઓ બિસ્માર બનતા લોકોમાં પાલિકા તંત્રએ અને શાસકો સામે ભારે આક્રોશ છે. લોકો નેતાઓ પાસે ખાડા અને બિસ્માર રસ્તાના કારણ માંગી રહ્યા છે. તો પાલિકા સાથે સંકલન બેઠકમાં વરાછાના ધારાસભ્યએ સુરતમાં રસ્તા તુટવાના કારણ ક્યા ? અને જવાબદાર કોણ ? તે પ્રશ્નો પુછ્યા હતા. સામાન્ય ગણાતા આ પ્રશ્નનો જવાબ અધિકારીઓ આપી શક્યા ન હતા. જેના કારણે રસ્તા બનાવવાની અને રિપેર કરવાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે. 

સુરત શહેરમાં વરસાદ બાદ સંખ્યાબંધ રસ્તા બિસ્માર થયાં છે અને લાખો વાહનચાલકો ત્રાહિમામ થઈ રહ્યાં છે ત્યારે પાલિકાના અધિકારીઓ રસ્તા રીપેર કરવાના બદલે શહેરના રસ્તા હાઈવે કરતા સારા હોવાની વાત કરી રહ્યાં છે. પાલિકાના અધિકારીઓ શહેરમાં 1800 ખાડા છે અને તેમાંથી 700 રીપેર થઈ ગયાં છે તેવો દાવો કરે છે. જોકે, ખાડાની સંખ્યા અને તેને રીપેર કરવા માટે ઉપયોગમાં આવેલા મટીરીયલ્સની સંખ્યા બે એક સાથે જોઈ તો કોઈ એક આંકડો ખોટો હોય તેવું સાબિત થઈ જાય છે. 

સુરતના બિસ્માર રસ્તાથી લોકો અકળાયા છે અને હવે તે ધારાસભ્યોને ફરિયાદ કરી રહ્યાં છે. દરમિયાન હાલમાં પાલિકામાં મળેલી સંકલન બેઠકમાં વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકાના અધિકારીને બે સામાન્ય પ્રશ્નો પુછ્યા હતા. જેમાં પહેલો પ્રશ્ન એવો હતો કે આ રસ્તાઓ તુટવાના કારણ ક્યા છે ? આ ઉપરાંત રસ્તા તુટી રહ્યા છે તેના માટે જવાબદાર કોણ છે ? જોકે, આ બંને પ્રશ્નોના અધિકારીઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા. ધારાસભ્ય વારંવાર એવું કહેતા હતા કે આ બે પ્રશ્નો લોકો પૂછી રહ્યાં છે અને લોકોને મારે જવાબ આપવાનો છે તેથી તમે જવાબ આપો તો હું લોકોને જવાબ આપી શકું. જોકે, અધિકારીઓ જવાબ આપ્યા ન હોવાથી રસ્તાની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.