Get The App

પોરબંદરમાં સાંસદને જો ગુંડાગીરી લાગતી હોય તો સરકાર શું કરે છે

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
પોરબંદરમાં સાંસદને જો ગુંડાગીરી લાગતી હોય તો સરકાર શું કરે છે 1 - image


ઔદ્યોગિક વિકાસમાં ઉણપ મુદ્દે કરેલી ટિપ્પણીથી માંડવિયા ફસાયા

કોંગ્રેસી આગેવાનોની પસ્તાળઃ ચૂંટણી વખતે વચનો આપ્યાં, પણ ઉદ્યોગો લાવી નહીં શકાતાં કેન્દ્રીય મંત્રી પોરબંદરને બદનામ કરે છે

પોરબંદર: ગઈકાલે પોરબંદર ખાતે આવેલા સ્થાનિક સાંસદ કમ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ વિકાસકાર્યોનાં લોકાર્પણ વખતે 'પોરબંદરમાં નવા ઉદ્યોગો આવતા નથી તેની પાછળ પોરબંદરની ખરાબ છાપ જવાબદાર છે અને તેને સુધારવા માટે પ્રયત્નો કરવા પડશે' તેવું નિવેદન આપ્યું હતું, જેના સ્વાભાવિક રીતે જ ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. રાજ્યભરમાંથી પોરબંદર આવેલા કેટલાક કોંગ્રેસી આગેવાનોએ સામો પ્રશ્ન ઉઠાવી સાંસદ ઉપરાંત રાજ્ય તથા કેન્દ્રની ભાજપ સરકાર પર પસ્તાળ પાડી છે. શાસકો ચૂંટણી વખતનાં વચન પાળવામાં ઉણા ઉતર્યા હોવાથી પોરબંદરને બદનામ કરી રહ્યા છે એવો આક્ષેપ કરાયો છે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખના પદગ્રહણ સમારોહ વખતે જ ભાજપી સાંસદનું નિવેદન સામે આવતાં કોંગ્રેસે તક ઝડપી લીધી હતી. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે જેમના ખભે કેન્દ્રના રોજગાર મંત્રી તરીકેની જવાબદારી હોય તેમના મોઢેથી આવું નિવેદન એ જ સાબિત કરે છે કે તે પોરબંદરમાં નવા ઉદ્યોગો લાવી શકે તેમ નથી એટલે હાથ ખંખેરી લે છે અને પોરબંદરની જનતા તેમજ પોરબંદરની છાપને આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે! ભાજપ સરકાર આવ્યા પછી કોર્પોરેટ લૂંટ ચલાવી રહી છે.

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સાંસદનાં નિવેદનને વખોડીને કહ્યું કે 'એક બાજુ તમે ગુજરાતમાં ગુંડાગીરી નાબૂદ થયાની વાતો કરો છો અને બીજી બાજુ પોરબંદરની ખરાબ છાપને લીધે ઉદ્યોગો આવતા નથી તેમ જાહેર કરો છો તો આટલા વર્ષોથી તમે કર્યું શું!? નાના મોટા ગુંડાઓને ભાજપના નેતાઓએ જ ઉછેર્યા છે. પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલવાળા પાણી વહાવવાના પ્રોજેક્ટ પ્રશ્ને પાણી બતાવીને એ પ્રોજેક્ટને રદ કરાવી સાચા અર્થમાં લોકસેવકની ભૂમિકા ભજવાય તે જરૂરી છે.' દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત અગ્રણી પાલ આંબલીયાએ કહ્યું કે 'સાંસદ ઘેડ પંથકમાં ૧૫૦૦ કરોડના ખર્ચે વરસાદી પાણી ભરાવાના પ્રશ્નનું નિરાકરણ કરવાનો દાવો કરી રહ્યા છે પરંતુ આ હળાહળ જુઠ્ઠાણું છે. સાંસદે એવું જણાવ્યું હતું કે આ વર્ષે ૧૩૯ કરોડ રૂપિયા ફાળવી દીધા છે અને ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાય નહીં તે માટે કામગીરી ધમધમી છે, પરંતુ પહેલા વરસાદમાં જ પૂર આવ્યું ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.'

હેસિયત હોય તો સતીશ વર્મા જેવા અધિકારીઓને પોરબંદરમાં મૂકી દો!

પોરબંદરના સાંસદને ખુલ્લો પડકાર ફેંકતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે 'જો તમને એમ લાગતું હોય કે પોરબંદરની છાપને લીધે નવા ઉદ્યોગો નથી આવતા અને પોરબંદરમાં ગુંડાગીરી જણાય છે, તો સતીશ વર્મા જેવા અધિકારીની પોરબંદરમાં નિમણૂક કરી દઈને ગુંડાઓનો સફાયો કરી દો ને! રાજ્યની સરકારની ગુંડાગીરી નાથવાની કામગીરીમાં નિષ્ફળતા વિશે કેન્દ્રના જ મંત્રી જો આવું કહેતા હોય તો ભાજપના નેતાઓની શરમ આવવી જોઈએ. પોરબંદર લોકસભાની ચૂંટણી વખતે ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને કરોડોનાં બિલ મામલે મેં વિધાનસભામાં પણ માહિતી જાહેર કરી હતી અને આર.ટી.આઈ.નો ઉપયોગ કરીને જે કાગળો પોરબંદરમાં એકત્ર થયા હતા તે મારા સુધી પહોંચે તે પહેલાં પોરબંદરના જ એક ઉચ્ચ અધિકારીએ ઓફિસમાંથી છીનવી લઈને ફાડી નાખ્યા હતા, ફૂટેલી કારતૂસ જેવા અધિકારીને ઘર ભેગા કરવા માટે હવે ભાજપ સરકારે કામ કરવું જ પડશે!'


Tags :