Get The App

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી 1 - image


Gujarat Unseasonal Rains: ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની અસરને કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થયો છે. રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે તો બીજી તરફ સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 12 કલાક ગુજરાતનું હવામાન ડામાડોળ રહેશે એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું પડી શકે છે. 

કયા વિસ્તારોમાં કમોસમી વરસાદનું કમઠાણ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં પલટાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.

શુક્રવારથી વાતાવરણ સામાન્ય રહેશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 02/જાન્યુઆરી/2026 થી 05/જાન્યુઆરી/2026 દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં વરસાદી ઝાપટાં

સૌરાષ્ટ્રમાં ગઇકાલ (31 ડિસેમ્બર) સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ સુધી તો અમદાવાદમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. 

શિયાળામાં ચોમાસુ, ખેડૂતોમાં ચિંતામાં ગરકાવ

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા. માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટમાં પણ ગત બપોરે 3 વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને 5વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો, જે મોડી સાંજ સુધીમાં અડધા ઇંચ જેવો નોંધાયો હતો. ધોરાજી પંથકમાં સાંજે 4 વાગ્યા બાદ ગાજવીજ અને પવન સાથે શરૂ થયેલા વરસાદથી રસ્તા ભીના થયા હતા. જમનાવડ રોડ, સ્ટેશન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં બપોર પછી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ દિવાળી બાદ માવઠાએ ખરીફ પાકનો સોંથ વાળ્યો હતો, હવે રવિ પાક પર જોખમ આવતા કિસાનોમાં ચિંતા પ્રસરી છે. 

જામનગર શહેરમાં હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. પરંતુ સમાણા, નારણપુર, દડિયા, લાલપુર, ખંભાળિયા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં લગભગ એકાદ ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું ખેડૂતોનું અનુમાન છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.