- ટ્રેક્ટરો ભરીને તળાવમાંથી જંગલી વનસ્પતિ બહાર કાઢવામાં આવી રહી છે
વડોદરા, તા. 03
વડોદરામાં સમા તળાવનું ચાર વર્ષ અગાઉ આશરે સાડા ત્રણ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું .તળાવમાં આજુબાજુના વિસ્તારમાંથી ગટરનું પાણી છોડવામાં આવતું હોવાથી તેમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળતા તળાવ માં જંગલી વનસ્પતિ નો ત્રાસ વકર્યો છે ,જંગલી વનસ્પતિ કાપીને તળાવને સાફ કરવાની સૂચના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને તળાવની મુલાકાત લીધા બાદ આપતા તળાવમાં વનસ્પતિ કાપવાનું મશીન ઉતારવામાં આવ્યું છે. જંગલી વનસ્પતિ તળાવમાં એટલી હદે ફેલાઈ ચૂકી છે કે કામગીરી મેંન્યુઅલી થઈ શકે તેમ નથી .

વડોદરા કોર્પોરેશન દ્વારા ગઈકાલથી આ કામગીરી ચાલે છે અને તળાવમાંથી ટ્રેક્ટરો ભરી ને વનસ્પતિનો બહાર નિકાલ કરવામાં આવે છે. તળાવ મોટું હોવાથી કામગીરી હજુ કેટલાક દિવસ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે .તળાવમાં ગટરનું પાણી પણ ઠલવાતું હોવાથી આ વનસ્પતિનો ત્રાસ વકર્યો છે, જેને ધ્યાનમાં રાખીને ગટરનું પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢીને ગટરનું કનેક્શન કાપી નાખવા પણ તાકીદ કરવામાં આવી છે. તળાવમાં ગટરના પાણી સતત ચાલુ હોવાથી કોર્પોરેશનએ બ્યુટીફીકેશન પાછળ કરેલો ખર્ચો માથે પડ્યો છે. વડોદરા શહેરમાં બીજા કેટલાક તળાવમાં પણ ગંદકી ફેલાયેલી છે અને ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે. આ માટે કોર્પોરેશનના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ મિટિંગ પણ કરી છે .આવા તળાવ શોધી કાઢીને ત્યાં પણ જંગલી વનસ્પતિ નો ઉપદ્રવ વકર્યો હોય તો ત્યાં પણ સફાઇ હાથ ધરી ગટરના પાણી બંધ કરવા કોર્પોરેશન કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.


