નીચાં મતદાનવાળા મથકોનું વેબ કાસ્ટિંગ કરાશે, માથાભારે તત્વોની ધાક ચકાસાશે


રાજકોટનાં ક્રિટિકલ પોલિંગ બૂથ્સનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ 70 ટકાથી વધુ મતદાન થાય એવા પ્રયાસ કરાશે, 18 કમિટીઓ પૈકી કેટલીકમાં નોડલ ઓફિસર નબળાં હોય તો તાલીમ વખતે જ બદલાવાશે

રાજકોટ, : વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં તંત્રએ તૈયારીઓ આદરીને હાલ વિશેષતઃ ક્રિટિકલ પોલિંગ બૂથ્સ અને તેની હેઠળના સંવેદનશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અગાઉની ચૂંટણીમાં જ્યાં મતદાન ઓછું હતું એવા મતદાન મથકો પર પેરા મિલિટરી ફોર્સ ગોઠવવાથી માંડીને ત્યાંથી સીધું ચૂંટણી પંચ સમક્ષ સતત વેબ કાસ્ટિંગ કરવાની વ્યવસ્થા ગોઠવાશે.

રાજકોટ શહેર- જિલ્લામાં 2253 મતદાન મથકો ઉપર કુલ ૨૨ હજાર જેટલો પોલિંગ અને પોલીસ સ્ટાફ તૈનાત કરવાની જરૂર પડશે. મતદાન મથકો પર એશ્યોર્ડ મિનિમમ ફેસેલિટીઝની પૂર્તતા કરાશે. જાહેરનામું બહાર પડી જાય પછી શહેર- જિલ્લામાં બે ડઝન જેટલી ચાકપોસ્ટ કાર્યરત કરાશે તથા દારૂ કે શસ્ત્રો જેવી વાંધાજનક ચીજવસ્તુઓ તેમજ શંકાસ્પદ નાણાંકીય હેરફેર બાબતે અનુક્રમે પોલીસ અને આયકર અધિકારીઓ સહિતની સ્ક્વોડ મારફત વોચ રખાશે.

દરમિયાન, મેનપાવર મેનેજમેન્ટથી માંડીને ઈવીએમ- વીવીપેટ, ટ્રાન્સપોર્ટ અને મટિરિયલ મેન્જમેન્ટ, એક્સપેન્ડિચર મોનિટરિંગ, મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી, હેલ્પલાઈન અને કમ્પ્લેન રીડ્રેસલ, એસએમએસ મોનિટરિંગ એન્ડ કોમ્યુનિકેશન પ્લાનિંગ, વેલ્ફેર ઓફ સ્ટાફ, સ્વીપ (સીસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) એક્ટિવિટી, પર્સન વિથ ડિસેબિલિટી (પીડબલ્યુડી) વોટર્સ અને માઈગ્રેટરી ઈલેક્ટર્સ માટેની કમિટી સહિત 18 કામગીરીના નોડલ ઓફિસરોને ચૂંટણી વખતે તેમણે કરવાની કાર્યવાહીની પ્રાથમિક તાલીમ આપવાનું શરૂ કરાયું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, હાલ પોસ્ટલ બેલેટ, પીડબલ્યુડી સહિત કેટલીક બાબતોની કમિટીઓમાં તંત્રને સક્ષમ નોડલ ઓફિસરોની ખોટ જણાઈ રહી છે એટલે કમિટીઓનાં ગઠનમાં વિલંબ થઈ રહ્યો છે. 

આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે કહ્યું કે જરૂર પડે તો અને એટલાં નોડલ ઓફિસર તાલીમ દરમિયાન જ બદલી નખાશે. કલેક્ટરે આજે પોલીસ કમિશનર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સાથે જંક્શન પ્લોટ, દૂધસાગર રોડ, જંગલેશ્વર, હુડકો, કોઠારિયા રોડ, પી.ડી. માલવિયા કોલેજ વગેરે વિસ્તારોમાં 10 બિલ્ડિંગ ખાતે ૩૫થી વધુ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ માથાભારે તત્વો મતદારોને ધાકધમકી આપીને મતદાન કરતાં અટકાવે છે કે કેમ એ શક્યતા પણ ચકાસવામાં આવશે, ચેકપોસ્ટ પર સીસીટીવી કવરેજ મજબૂત બવાનાશે તથા એકંદરે 70 ટકાથી વધુ મતદાન થાય એ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજાશે.

City News

Sports

RECENT NEWS